BREAKING: વધુ એક હસ્તિનું નિધન ! નથી રહ્યા Suzuki કંપનીના પૂર્વ ચેરમેન, 94 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Suzuki Motor Former Chairman Death: સુઝુકી મોટર કોર્પના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું નિધન થયું છે. તેમણે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઓસામુ સુઝુકીએ 40 વર્ષથી વધુ સમય સુધી સુઝુકી મોટર કોર્પનું નેતૃત્વ કર્યું અને વર્ષ 2021માં નિવૃત્તિની જાહેરાત કરી. તે સમયે તેમની ઉંમર 91 વર્ષની હતી.

ઓસામુ સુઝુકીનું 25 ડિસેમ્બરે થયું હતું નિધન
કંપનીએ 27 ડિસેમ્બર શુક્રવારે સુઝુકી મોટર કોર્પના ચેરમેનના નિધનની માહિતી આપી હતી, જો કે તેમનું નિધન 25 ડિસેમ્બરે થયું હતું. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ જાણકારી સામે આવી. ઓસામુ સુઝુકીના નેતૃત્વ હેઠળ, કંપનીએ વૈશ્વિક બજારમાં વિસ્તરણ કર્યું. કંપની ખાસ કરીને તેની મીની કાર અને મોટરસાઈકલ માટે પ્રખ્યાત છે.

ઓસામુ સુઝુકીની જીવનયાત્રા
સુઝુકીની જીવન યાત્રા એક સામાન્ય પરિવારમાંથી શરૂ થઈ હતી. 30 જાન્યુઆરી 1930ના રોજ જાપાનના ગેરો-ગિફુ પરફેક્ચરમાં જન્મેલા ઓસામુ સુઝુકી ટોક્યોમાં છાઓ યુનિવર્સિટીમાં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરતી વખતે પોતાનો ખર્ચ ચલાવવા જુનિયર હાઈસ્કૂલ શિક્ષક અને નાઈટ ગાર્ડ તરીકે કામ કર્યું. 1953માં સ્નાતક થયા પછી તેમણે શરૂઆતમાં બેંકમાં કામ કર્યું, પરંતુ પછી લગ્ન કર્યા અને સુઝુકી પરિવારના વ્યવસાયમાં જોડાયા. આ ટર્નિંગ પોઈન્ટે તેમની છ દાયકાની કારકિર્દીની શરૂઆત કરી.

1958માં સુઝુકી મોટર કોર્પમાં જોડાયા
ઓસામુ સુઝુકી 1958માં સુઝુકી મોટર કોર્પમાં જોડાયા અને 1978માં પ્રમુખ બન્યા. તેઓ 2000માં ચેરમેન તરીકે નિયુક્ત થયા. પ્રેસિડન્ટ તરીકેનો તેમનો કાર્યકાળ કુલ 28 વર્ષનો હતો અને તેઓ સૌથી લાંબા સમય સુધી આ વૈશ્વિક ઓટોમેકરના વડા તરીકે રહ્યા હતા. 1978 માં સુઝુકીના પ્રમુખ તરીકે ઓસામુ સુઝુકીના કાર્યકાળ દરમિયાન, કંપનીએ ઘણા મહત્વપૂર્ણ વિસ્તરણ કર્યા.ઓસામુ સુઝુકીએ તેમના કાર્યકાળ દરમિયાન 40થી વધુ સુઝુકી મોટર કોર્પોરેશન કંપનીઓની સ્થાપના કરી હતી.

જ્યારે 1982માં ભારતીય કાર બજારમાં જૂના મોડલનો દબદબો હતો, ત્યારે સુઝુકીએ ભારત સરકારના સહયોગથી મારુતિ ઉદ્યોગ લિમિટેડની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે સરકાર અને સુઝુકીના આ પગલાને કારણે લોકોને સસ્તા અને સારી માઇલેજવાળી ગાડીઓ મળી હતી, રીપોર્ટ્સ અનુસાર, 1983માં જ્યારે મારુતિ 80ને લોન્ચ કરવામાં આવ્યા, તે સમયે આ ગાડીની કિંમત 47 હજાર 500 રૂપિયા હતી. આ કાર એક મધ્યમ વર્ગીય પરિવાર માટે ખૂબ જ અદ્ભુત હતી. જો અહેવાલોનું માનીએ તો સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકી પણ તે સમયે આ પ્રોજેક્ટમાં વ્યક્તિગત રીતે સામેલ હતા.

Shah Jina