આણંદ બોરસદમાં ટ્રકચાલકે કોન્સ્ટેબલ કિરણસિંહ પર ટ્રક ચઢાવી આપ્યું દર્દનાક મૃત્યુ, સાહેબ વાહન ચેકિંગ કરવા ગયા હતા

સૌપ્રથમ હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં એક પોલિસજવાન પર ટ્રક ચાલકે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આણંદના બોરસદના કોન્સ્ટેબલ કિરણસિંહ રાજનું મોત થયુ છે. બોરસદમાં પોલિસ કોન્સ્ટેબલે ટ્રકચાલકને ઊભા રહેવા માટે ઇશારો કર્યો હતો અને આ દરમિયાન ટ્રક ચલાકે ટ્રક ભગાવી હતી. જે બાદ પોલિસકર્મીએ પીછો કરતા ટ્રકને ઓવરટેક કરી તેને રોકવાનો પ્રયત્ન કર્યો તે ચાલકે ટ્રક જ પોલિસકર્મીના માથા પર ચડાવી નાખી. આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. હાલ તો આ ઘટનાથી પોલિસતંત્રમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા અને આ દરમિયાન જ ટ્રકચાલકને ઊભી રાખવા તેમણે ઈશારો કર્યો હતો, જો કે, ટ્રક ચાલકે ટ્રક દોડાવી અને તે બાદ પોલિસ જવાને તેનો પીછો કરી ટ્રકને ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી. આ દરમિયાન જ ટ્રકને રોકવાને બદલે ચાલકે કિરણસિંહ પર ટ્રક ચઢાવી દીધી. પોલિસજવાન પર ટ્રક ચઢાવ્યા બાદ ટ્રકચાલક નાસી છૂટ્યો હતો અને તે બાદ તેને હાલમાં જ ઝડપી લેવામાં આવ્યો છે. તેનું નામ ગોપી રામ મિણા હોવાનું સામે આવ્યુ છે. જો કે, આ દરમિયાન એવો ખુલાસો થયો છે કે ટ્રકચાલકે બ્રેક ન લાગી હોવાનો દાવો કર્યો છે.

આટલું જ નહિ બ્રેક ન લાગ્યાનું રટણ ટ્રાન્સપોર્ટ માલિકે પણ કર્યું. મૃતક પોલિસ જવાન બોરસદ ટાઉનમાં છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતા હતા. તેમને બે સંતાનો છે, જેમણે હવે પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણાના નુહમાં ડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈની હત્યા કરવામાં આવી હતી.નૂહ પોલીસે જણાવ્યું હતું કે તાવડુ (મેવાત) ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ગેરકાયદે ખાણકામની ઘટનાની તપાસ કરવા માટે નૂહ ગયા હતા, જેમને ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા. આ અંગે ચંદીગઢના ADGP સંદીપ ખિરવારનું નિવેદન પણ આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે ઘટના સમયે ચાર પોલીસકર્મીઓ ડીએસપીની સાથે હતા. ડીએસપી સુરેન્દ્રની સાથે એક બંદૂકધારી અને ડ્રાઈવર પણ હતો. ઘટના સોમવારે રાત્રે 11.30 કલાકે બની હતી. ડીએસપીને બાતમી મળી હતી કે ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. તે ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે ખાણકામ કરતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ ડીએસપી પર વાહન ચડાવવામાં આવ્યું હતું.હરિયાણા બાદ ઝારખંડમાં ગુનેગારોએ પોલીસ અધિકારીને વાહન વડે કચડીને મારી નાખ્યા.

રાંચીના તુપુદાના વિસ્તારમાં એક પીક-અપ વાનના ચાલકે મહિલા પોલીસ અધિકારીને કચડી નાખ્યા હતા. આ ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે 2 વાગે સંધ્યા ટોપનોને માહિતી મળી કે તેમના વિસ્તારમાંથી પ્રાણીઓથી ભરેલી એક પીકઅપ વેન નીકળશે. આ પછી તેમણે વાહનોની તપાસ શરૂ કરી. એક કારની તપાસ કર્યા પછી તે પીકઅપ વાનને રોકવા જતી હતી, ત્યારે જ તેમને કચડી નાખવામાં આવ્યા હતા.

Shah Jina