આખા વિશ્વમાં સદીઓ સુધી ગ્રહણ વિશે લોકોમાં ડર ફેલાયેલો રહેલો છે, જે લોકોના મનમાંથી સરળતાથી નીકળી શકે એમ નથી. ભલે વૈજ્ઞાનિકો આ પાછળની હકીકત જણાવે કે કોઈ બીજી વાત જણાવે પણ આપણે ત્યાં એકવાર જે વસ્તુઓ વિશે માન્યતાઓ બની જાય છે એ ક્યારેય જતી નથી. વિશ્વના અલગ-અલગ દેશોમાં સૂર્યગ્રહણ વિશે અલગ-અલગ ડર ફેલાયેલો છે, કોઈ દેશોમાં એવું કહેવાય છે કે ડ્રેગન સૂર્યને ગળી ગયો, તો ક્યાંક કહેવાય છે કે વરુ સૂર્યને ખાઈ ગયો, તો ક્યાંક કહેવાય છે કે સૂર્ય અને ચંદ્રની લડાઈ થઇ ગઈ, જયારે ભારતમાં રાહુ-કેતુ વાળી વાત લોકોને માણેલી છે કે એક રાક્ષસ ક્યારેક સૂર્યને ખાઈ જાય છે તો ક્યારેક ચંદ્રને ગળી જાય છે. ત્યારે આજે વાત કરીએ કે ભારતમાં સૂર્યગ્રહણ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ ફેલાયેલી છે, જે પાયાવિહોણી છે, જેને માનવાનું બંધ કરી દેવું જોઈએ અને ડરવાનું પણ બંધ કરી દેવું જોઈએ.

પ્રેગ્નેન્સી પર ખતરો –
લોકોના મનમાં એવો ડર બેસેલો છે કે સૂર્યગ્રહણ દરમ્યાન ગર્ભવતી મહિલાના ગર્ભ પર ખતરો હોય છે. એટલે જ ગ્રહણ સમયે સ્ત્રીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે. આ માન્યતા ત્યાં સુધી ફેલાયેલી છે કે ગાય-ભેંસના પણ પેટ પર છાણથી ગોળ-ગોળ ડિઝાઇન બનાવી દેવામાં આવે છે. જેથી ગ્રહણની અસર તેમના બચ્ચા પર ન પડે, નહિ તો બાળક અપંગ પેદા થાય છે. સગર્ભા સ્ત્રીઓને પણ કાતર, છરી વગેરે વાપરવાની મનાઈ કરવામાં આવે છે.
ભગવાનની મૂર્તિ જોવાથી લાગે છે પાપ –
એવું કહેવામાં આવે છે કે જેટલી વાર ગ્રહણ ચાલે એટલી વાર ભગવાનની મૂર્તિ ન જોવી જોઈએ. કારણ કે તેઓ દુઃખથી કણસી રહયા હોય છે, એ સ્થિતિમાં જો તમે ભગવાનને જુઓ તો એ નારાજ થાય છે. એટલે આંખો બંધ કરીને મંત્રનો જાપ કરતા રહો. પણ આ માન્યતા ખોટી છે, ભગવાન સર્વશક્તિમાન છે, તમારે એમની મૂર્તિ જોવાથી કશું નહિ થાય.

રસોડાને ખતરો –
એવું કહેવામાં આવે છે કે ગ્રહણની અસર તમારા રસોડામાં પણ પડે છે. જ્યાં અનાજ સંગ્રહિત કરવામાં આવે છે, ત્યાં પણ તેની ખરાબ અસર પડે છે, તેથી રસોડાના દરવાજા પર છાણ અથવા ગેરુ લગાવવું જોઈએ. જો કે જેઓ મોડ્યુલર રસોડું બનાવે છે, તેઓ તેમના રસોડામાં છાણ નથી લગાવતા, તો પણ કોઈ અસર તો થતી નથી. પણ આ ડર ગામડાઓમાં જોવા મળે છે.

ગેસ ન સળગાવવો –
એવું કહેવામાં આવે છે કે ગ્રહણ સમયે ખોરાક ન રાંધવું જોઈએ. નહીં તો તે ઝેર બની જાય છે. એક કામ કરો, એકવાર બનાવીને, એ ભોજન ખાવાનું જોખમ લઇ લો, જાતે જ ખબર પડી જશે કે ખોરાક ઝેર થઇ જાય છે કે આ ખોટી માન્યતા છે.

ઘરની બહાર ન નીકળવું જોઈએ –
એવું પણ કહેવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન કોઈએ ઘરની બહાર ન જવું જોઈએ. તેના પડછાયાથી પણ બચવું જોઈએ, અને જોવાનો પ્રયાસ તો કદાપિ ન કરવો જોઈએ. નહિંતર, આંખોની દ્રષ્ટિ જતી રહે છે. જો આ વાત સાચી હોય તો વિદેશોમાં લોકો સૂર્યગ્રહણના દિવસે શાળા-ઓફિસોમાં રજા ન રાખતા હોત.

ઊંઘવું ન જોઈએ –
એવું કહેવામાં આવે છે કે ગ્રહણ સમયે કોઈએ સૂવું ન જોઈએ. કારણ કે ઊંઘ્યાં તો જીવનમાંથી શાંતિ દૂર થાય છે. અને જ્યારે સૂર્ય દેવ મુશ્કેલીમાં હોય છે, તો પછી પૃથ્વી પર રહેતા લોકોને ઊંઘ કેવી રીતે આવી શકે છે. હકીકતમાં, ઘણી વખત એવું બને છે કે ગ્રહણ થાય અને લોકોને ખબર પણ હોતી નથી. દરેકના જીવનમાં કોઈક સમયે આ બન્યું છે, પરંતુ ગ્રહણ સમયે, સૂતા વ્યક્તિને કંઇક થયું છે, એવું બન્યું નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.