તક્ષશિલા અગ્નિકાંડને આજે 1 વર્ષ પૂરું થયું અને મૃતક બાળકોના પરિવાર હજુ પણ ન્યાયની રાહમાં…
ગુજરાતમાં કોવિડ ૧૯ ના હાહાકાર વચ્ચે આજે સુરતમાં 1 વર્ષ પહેલા ઘટેલી અગ્રિકાંડની આજે પ્રથમ વરસી છે. આજે પણ અગ્રિકાંડના દ્રશ્યો સામે આવતાં કાળજુ કંપી ઉઠે છે. સુરતના તક્ષશિલા અગ્રિકાંડમાં 22 બાળકોના મૃત્યું થયા હતા. આ અગ્રિકાંડે રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22 બાળકોના મૃત્યુથી ગુજરાતમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે એક વર્ષ પુર થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે.
શું થયું અગ્નિકાંડ બાદ ?
આ તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને પગલે 2 બિલ્ડરોની ધરપકડ થઈ હતી. સુરત મનપાના અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં હતી. બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ થઈ હતી. મનપાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. 2 ફાયર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરતના મોટેભાગના ડોમ અને Illegally કન્સ્ટ્રક્શન દૂર કર્યા હતા. અલગ અલગ વિભાગના કુલ 10 કર્મચારીઓની ધરપકડ થઈ હતી.
આખા દેશભરમાં પડ્યા હતા પડઘા
સુરતમાં થયેલા આ અગ્નિકાંડના પડઘા આખા ભારત દેશમાં પડ્યા હતા. PM નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અને જવાબ માગ્યો હતો.
સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં 24 મે 2019 ના રોજ થયેલી ગોઝારી આગની ઘટનામાં 20થી વધુ બાળકોના મોત થયા હતા. આ ઘટનામાં મહામુશ્કેલીએ બચેલી ઊર્મિ વેકરીયાએ આ ઘટનાની આંખો દેખી હકીકત જણાવી હતી.
આ આર્કેડમાં જ કલાસ પાસે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનું ટ્રાન્સફોર્મર હતું, જેમાં સ્પાર્ક થતા આગ લાગી અને આ આગ જોતજોતામાં ત્રીજા માળે પહોંચી ગઈ. જ્યા ક્લાસ ચાલુ હતા અને 40 બાળકો અહીં હાજર હતા. આગ લાગતા જ કેટલાક બાળકો પોતાને બચાવવા માટે નીચે ભાગ્યા તો કેટલાક બાળકો બારીમાંથી નીચે કુદયા હતા અને અફરાતફરી મચી ગઈ હતી. એમાં બળી જવાથી અને કૂદવાથી 20થી વધુ બાળકોના મૃત્યુ થયા હતા.

16 વર્ષીય ઊર્મિ વેકરીયા પણ આ જ બાળકોમાં સામેલ હતી. એ જણાવે છે કે ‘નીચે આગ લાગી હતી અને ત્યાંથી ધુમાડો ઉપર આવી રહ્યો હતો. પછી અમારા કોચિંગ ક્લાસમાં પણ આગ લાગી ગઈ. કેટલાક પોતાને બચાવવા માટે કૂદી ગયા અને કેટલાક આ આગમાં બળીને મરી ગયા.’ પરંતુ ઊર્મિને સદનસીબે એક વ્યક્તિએ ત્રીજા મળે લટકીને બચાવી હતી.
ઊર્મિ જણાવે છે કે ‘ફાયરબ્રિગેડ પહોંચ્યા તો ખરા પણ તેમની પાસે કઈ જ ન હતું કે અમને બચાવી શકાય. કોઈ કપડા કે સીઢી પણ ન હતી. જે સીઢી હતી એ ફક્ત પહેલા મળે આવીને જ ખતમ થઇ જતી હતી.’

આ વિશે ઊર્મિના પિતા જણાવે છે કે અમારી દીકરીને એક વ્યક્તિએ લટકીને બચાવી લીધી નહિ તો અમારી છોકરીઓ ન હોત. ફાયરબ્રિગેડ આવ્યું હતું પણ તેમની પાસે કોઈ સુવિધા ન હતી, નેટ ન હતી, સીઢી ન હતી કે રસ્સી પણ ન હતી. જો હોત તો જે બાળકો અત્યારે હોસ્પિટલમાં છે કે પછી જેઓ મૃત્યુ પામ્યા છે એ બાળકો બચી જાત. કદાચ બધા બાળકો પણ બચી જાત જે બાળકો બારીમાંથી કુદયા હતા. પણ લોકો એટલા બેદરકાર હતા કે બાળકોને ઝીલી શકે એમ હતા છતાં પણ ઝીલી ન શક્યા.’
સુરતના સરથાણા-જકાતનાકા નજીકની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને લઈને વિવિધ પાસાંઓ સમય વીતે છે તેમ નજર સામે આવી રહ્યાં છે. પોલિસ તપાસ થઈ રહી છે, અપરાધીઓને ઝાલવામાં આવી રહ્યા છે, મૃતકોના પરિવારને સરકાર તરફથી અને લોકો તરફથી મદદ અને આશ્વાસન પણ મળી રહ્યું છે. આ ઘટનાને પગલે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ફાયર સેફ્ટીને લઈને સતર્કતા આવી છે. ફાયર એસ્ટિંગ્યૂશર (આગ સલામતી માટે રાખવામાં આવતો બાટલો) નો મુસીબતના સમયે કેમ ઉપયોગ કરી શકાય એની જાણકાર અત્યાર સુધી બહુ જૂજ લોકોને હતી. હવે સફાળા જાગેલા ક્લાસીસના માલિકો, વિવિધ કંપનીઓ વગેરેએ લોકોને અને વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે બાટલાનો ઉપયોગ કેમ કરવો એ પણ શીખવવા માંડ્યું છે.

સારું છે. પણ રતન ગયું ને સમજણ આવી! આ કરૂણાંતિકા બની એ કદી ભૂલાશે નહી. અમુક બેદરકારીઓ ક્યારેક અસહ્ય પરિણામ લઈને આવતી હોય છે તેનું આ ઉદાહરણ છે.
તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ વખતે બહાર ઊભેલી વસ્તી અનેકગણી હતી, જ્યારે અંદર બાળકોને આગ સામે જજૂમીને બચાવનારા આંગળીના વેઢે ગણાય એટલા હતા. પણ એ હતા કોણ? તેમાંના એક-બે તો પ્રસિધ્ધીમાં આવ્યા છે. હજુ એક જવાન બાકી છે. કોણ હતો એ ખબર? ના, તો નીચેનું ટુ-ધ-પોઇન્ટ લખાણ તમારા માટે જ છે:
જતીન નાકરાણી: મોત સામે બાથ ભીડીને જીંદગીઓ સલામત કરી —

સાવરકુંડલાના કોઈ એક ગામનો એ યુવાન સુરતમાં સ્થિત થઈને તક્ષશિલા આર્કેડના બીજા માળે ફેશન ડિઝાઇનની ઇન્સ્ટીટ્યૂટ ચલાવતો હતો. રહેવાનું પરિવાર સાથે લસણકા વિસ્તારમાં. આગ લાગી એ વખતે 24 વર્ષનો જતીન પોતાના સ્ટાફ સાથે ઓફિસમાં હતો.
આગની જાણ થઈ. વિકરાળ આગે દાદરાને તો ભરખી જ લીધો હતો, એટલે નીચે ઉતરીને જવાનું તો સપનુંય હવે કોઈને આવે તેમ નહોતું. લકડીયા દાદરાને લપેટમાં લેતી આગ અટ્ટહાસ્ય કરતી કોઈ જીવન વાંચ્છુકને જાણે કહેતી હતી, ‘તું આવે કે હું આવું…?’
જતીને સ્ટાફને સંભાળ્યો. ઇમરજન્સી વિન્ડોમાંથી પોતાના કર્મચારીઓ અને એ જ બીજા માળની એક કોચિંગ ઇન્સ્ટીટ્યૂટના ત્રણ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા.

ત્રીજી માળનું તાંડવ —
ઉપરથી હોહા સંભળાઈ. એ ત્રીજા માળનો કોલાહલ હતો. અહી હતા – કોચીંગ ક્લાસીસના એ હતભાગી વિદ્યાર્થીઓ! અહીં ફસાયેલાની સંખ્યા પણ મોટી હતી. જતીને ભીતેથી ફાયર ઇસ્ટિંગ્યૂશર ઉતાર્યું. બાટલો હલાવી, પીન ખેચી અને અંકોળિયા દબાવતા વછૂટેલાં દ્રવ્યને છાંટ્યું સળગતા દાદરા પર. જેમ-તેમ કરીને જતીન ઉપર પહોચ્યો.
ઉપર તો ક્યાં કોઈને હોશહવાસની સ્થિતિ હતી? ચોતરફ ધૂમાડાનું દાહક ધુમ્મસ… વચ્ચે-વચ્ચે આવું-આવું કરતી આગનું ધધકારા જેવું અટ્ટહાસ્ય…! બાળકો ગૂંગળામણ અનુભવતાં હતાં. જતીને બારીનો કાચ તોડ્યો; હવા આવેને અકળામણ ઓછી થાય એ હેતુથી. પણ એ રાહતથી શું વળવાનું હતું જ્યારે પાછળથી દાનવ આવતો જ હતો મોતનો ધાબળો લઈને! જતીને મદદ તો કરી પણ શ્વાસ રૂંધાવા લાગ્યો. હવે શું થાય? પોતે તોડેલી બારીમાંથી પોતે ઠેકડો મારે નહી તો બીજું શું કરે?

જતીને કૂદકો માર્યો. પણ કમભાગ્યે સલામત જગ્યા પર નહી! માથું, હાથો અને પાસંળીઓ સહીત અનેક ગંભીર ઇજાઓ થઈ – ભયાનક પછડાટથી. અત્યારે એ ખાનગી દવાખાનામાં વેન્ટિલેટર પર છે. બે બહેનોનો એકનો એક ભાઈ છે! ભગવાન સલામત રાખે એને!
પ્રત્યન કર્યો એને બિરદાવવાની પણ આપણી હિંમત ખરી કે નહી? બહાર ઊભા રહીને વીડિઓ ઉતારનારા ડઘાઓ કરતા આ જીવના જોખમે થતો પ્રયત્ન હજાર દરજ્જે સારો હો!
વેલ ડન જતીન!