‘તારો સાળો એ મારો સાળો…’ જેની નજીવી બાબતે લીધો એક યુવકનો જીવ, 25 ફૂટની ઉંચાઈએથી પડતા મોત

ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા હત્યાના મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર આવેલ ઉમિયા ટાઉનશીપ નજીકના કોમ્પલેક્ષના બીજા માળના ધાબા પરથી 25 ફૂટની ઉંચાઈએથી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું. એક નજરે તો આ અકસ્માતે મોતનો બનાવ લાગતો હતો પરંતુ આ ઘટના કોઇ અકસ્માત નહોતી પરંતુ હત્યા હતી. મિત્રના જન્મદિવસે દારૂ પાર્ટી બાદ થયેલ સામાન્ય બોલાચાલીમાં સાળા-બનેવીએ એક 35 વર્ષીય યુવકને ધક્કો માર્યો અને 25 ફૂટની ઉંચાઈએથી પડતા તેનું મોત નિપજ્યુ.

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતાં પોલીસ હરકતમાં આવી અને સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી. FSLએ તપાસ માટે કોમ્પલેક્ષ સીલ કરી દીધું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર સીધી સોસાયટીમાં રહેતાં અને રેલવની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જગદીશભાઈ પરમારનું રાજકોટમાં એક મકાન છે.

તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી પૈકી સૌથી નાનો પુત્ર ચંદન પરમાર છે, જે રાજકોટ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. બુધવારે ચંદનના મિત્ર હિતેશનો જન્મદિવસ હતો અને તે રાજકોટથી ટ્રેનમાં સુરેન્દ્રનગર પાર્ટી કરવા આવ્યો હતો. હિતેશ તેને લેવા રેલવે સ્ટેશને પણ ગયો હતો. ચંદનના 3 મહિના પહેલાં છુટાછેડા થયા હતા અને તે પરિવારમાં સૌથી નાનો હતો.

આ મામલે સુરેન્દ્રનગરના ડીવાયએસપીએ જણાવ્યું કે ઉમિયા ટાઉનશીપ પાસે આવેલા એક કોમ્પલેક્ષના ધાબા પર હિતેશ અને ચંદનની સાથે વિશાલ વિરજી સોલંકી અને પાર્થ વાધેલા પણ ગયા હતા. દારૂની મહેફિલ બરાબર જામી અને તે સમયે વિશાલે કહ્યું કે પાર્થ મારો સાળો છે. ત્યારે ચંદને કહ્યું કે તારો સાળો એ મારો સાળો. બસ આ જ નજીવી બાબતે બોલાચાલી થઈ અને સાળા-બનેવીએ ચંદનને મોતને ઘાટ ઉતારી દીધો. 25 ફૂટ નીચે પડતાં ચંદનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું.

Shah Jina