ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને સગીરાઓ સાથે છેડતી અને બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર યુવકો દ્વારા નાની નાની સગીરાઓને ફસાવી લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવતુ હોય છે, તો ઘણીવાર યુવતિઓને લગ્નની લાલચ આપી યુવકો દ્વારા પોતાની હવસ સંતોષવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 22 વર્ષીય યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડોકટર પર બળાત્કાર ગુજાર્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેનો પરિચય જિમમાં થયો હતો અને લગભગ દોઢેક વર્ષ પહેલાં યુવકે ડોકટરના ઘરે આવી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપી હતી અને મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો. જો કે, આ સમયે નરાધમે મહિલા તબીબનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી લીધો અને આ આધારે તે તબીબને બ્લેકમેઇલ કરવા લાગ્યો. ત્યારે આ યુવકના ત્રાસથી કંટાળી મહિલા ડોકટરે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે,
જે અનુસાર પોલીસે 22 વર્ષિય ઋષિકેશ ઉર્ફે રિષી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપી ઋષિકેશ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને તેણે મહિલા તબીબને બીભત્સ વીડિયો અને ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી નવેમ્બર 2020માં બીજીવાર સંબંધ બાંધ્યો હતો.
જોકે, તે બાદ ડોકટરે તમામ સંબંધો કાપી નાખ્યા હતા પણ તેમ છતાં તે એક વર્ષથી ડોક્ટરને પરેશાન કરતો હતો. તે ક્લિનિક પર આવતા-જતા રસ્તામાં પણ તેને ગાળો આપતો અને ધમકી પણ આપતો હતો. આ બાબતે મહિલા તબીબે પતિને પણ વાત કરી હતી.
આવો જ એક કિસ્સો ગયા મહિને પણ આવેલો:
ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કોઇવાર નાની સગીરાઓને નિશાન બનાવવામાં આવે છે, તો કોઇવાર યુવતિઓને નિશાન બનાવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તો પરણિતા પર દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. પરણિતાઓને પ્રેમજાળમાં ફસાવી અને તેમને લગ્નની લાલચ આપી અથવા તો છૂટાછેડા લેવાનું કહી તેની સાથે સંબંધ બાંધવામાં આવતો હોય છે અને પછી હવસ સંતોષાતા તેને તરછોડી દેવામાં આવતી હોય છે. જે બાદ પીડિતા પોલિસો આશરો લે છે અને પછી આવી ઘટના બહાર આવે છે. એકાદ મહિના પહેલા અમદાવાદમાંથી પરણિતા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતી પરણિતાનો સુરતના એક યુવક સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો અને આ દરમિયાન તેણે પરણિતા સાથે મિત્રતા કેળવી અને પછી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ. આ બાબતે મહિલા ડોકટરે હાલ તો વસ્ત્રાપુરમાં આરોપી યુવક સહિત ત્રણ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ડોક્ટર મહિલાની મિકેત પટેલ સાથે સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર મુલાકાત થઇ હતી અને તેને ઇન્સ્ટાગ્રામ પર આ યુવક ફોલો પણ કરતો હતો. જો કે, તેણે 7 જુલાઇના રોજ પરણિતાને મેસેજ કર્યો અને પછી બંને વચ્ચે ઓનલાઇન ચેટિંગ ચાલુ થઇ.
ત્યારે શનિવારના રોજ તેણે તેની મિત્ર કોમલ પંચાલ અને તેના બોયફ્રેન્ડ લક્ષમણ ભરવાડ સાથે મુલાકાત કરાવી. તે ત્રણેયે વીડિયો કોલ પર વાત પણ કરી હતી. જે બાદ કોમલે પીડિતાને રવિવારના રોજ ગુરુકુળમાં આવેલા મોલમાં મળવાની વાત કરી. ફરિયાદી મહિલા ડોક્ટરે જણાવ્યું કે કોમલે તેને હોટલમાં સાથે રહેવા માટે જણાવ્યું હતું. ડૉક્ટરને હોટલમાં સાથે રહેવાની વાત કરીને કોમલે કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ હાલ શહેરમાં નથી, જેથી તેણે હોટલમાં રહેવું પડશે. જે પછી તેઓ ગુરુકુળમાં આવેલી હોટલમાં ગયા હતા.
ત્યારે પીડિતા જ્યારે સવારે ઉઠી તો કોમલનો બોયફ્રેન્ડ પણ હાજર હતો અને તેણે કહ્યુ કે, તે તો ચા આપવા માટે આવ્યો છે. જ્યારે ડૉક્ટર કોમલ અને લક્ષ્મણ ભરવાડ સાથે વાતો કરી રહી હતી ત્યારે જ મિકેત પણ આવી પહોંચ્યો અને કોમલ અને લક્ષ્મણ રૂમની બહાર જતા રહ્યા. બંનેના રૂમની બહાર જતાની સાથે જ તે મહિલા ડોક્ટરની છેડતી કરવા લાગ્યો. જ્યારે ફરિયાદીએ મિકેતને ના કહી તો તેણે લગ્ન કરવાનું વચન આપ્યું. આ ઉપરાંત તેણે મિકેતને દુષ્કર્મ ગુજારવા બદલ ઠપકો પણ આપ્યો હતો.
આ બાબતે મિકેતે કહ્યું કે તે છેક સુરતથી તેને મળવા માટે અમદાવાદ આવ્યો અને તેને આટલો હક તો બને છે. જે બાદ આ ઘટના અંગે તેણે કોમલને કહ્યું તો તેણે મિકેતનો પક્ષ લીધો. કોમલ અને લક્ષ્મણે આ વાત કોઈને ના કહેવા માટે પણ જણાવ્યું હતું. પરણિતાને તેની સાથે ખોટુ થયું હોવાનું ભાન થતાં તે હોટલમાંથી ઘરે ગઈ અને પછી મિકેત કોમલ અને લક્ષ્મણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. આ કેસમાં મિકેત, કોમલ અને લક્ષ્મણ સામે બળાત્કાર અને તેની ઉશ્કેરણીની ફરિયાદ નોંધાવાઈ છે.