ખબર

સુરતમાં સગીરાને અવારનવાર ફરવા લઈ જઈ દુષ્કર્મ, યુવક કહેતો તું મારી સાથે નહીં આવે તો તારા માતા-પિતાને જાનથી

સુરતમાં યુવકે સગીરાને ડુમસ ફરવા લઈ જઈ એક વીડિયો ક્લિપ બનાવી લીધી, પછી વારંવાર….

ગુજરાતમાં ઘણીવાર સગીરાઓ અને યુવતિઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા યુવકો સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેમને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા હોય છે, તો ઘણીવાર કેટલાક યુવકો પોતાની હવસ સંતોષી યુવતિઓને તરછોડી દેતા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે, યુવકો વીડિયો દ્વારા યુવતિઓને બ્લેકમેઇલ કરી તેમને ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતા હોય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે હાલ સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગીરાને યુવકે લગ્નની લાલચ આપી સંબંધો બાંધ્યા હતા અને તેને ફરવા લઇ જઇ દુષ્કર્મ પણ આચર્યુ હતુ. સગીરાની મરજી વિરૂદ્ધ યુવકે તેનો વીડિયો બનાવી અને તે આધારે તેને બ્લેકમેઇલ કરી તેની સગાઇ પણ તોડાવી હતી. આ કેસ સુરતના અઠવા પોલિસ સ્ટેશન વિસ્તારનો છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતા જાસીમ સલીમ શેખનાએ 18 વર્ષ કરતા ત્રણેક મહિના નાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી.

જે બાદ સગીરાને ફરવા લઈ જઇ દુષ્કર્મ પણ આચર્યું હતું. આ ઉપરાંત તેને એવી ધમકી પણ આપી હતી કે તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે ત્યાં હું જાણ કરી દઇશ અને તારા લગ્ન થવા નહી દઉ. આરોપી સગીરાને ધમકી આપતો કે જો તું મારી સાથે નહીં આવે તો તારા માતા પિતાને જાનથી મારી નાખીશ. સગીરાને તે તેની મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો પણ બનાવ્યો હતો.

આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી તેણે સગીરાની જેની સાથે સગાઈ નક્કી થઇ હતી તે પણ તોડાવી નાખી હતી. ત્યારે આખરે આનાથી કંટાળી સગીરા અને તેના માતા પિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અઠવા પોલીસે ગુનો નોધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.