સુરત : 3 વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી માતાએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં થયો ચોંકાવનારો ખુલાસો

સુરતના મોટા વરાછામાં માતાએ 3 વર્ષની પુત્રીને ગળું દબાવીને મારી નાંખી, પછી પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ વાંચી ધ્રુજવા લાગશો

Surat Mother Committed Suicide : ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના મોટા વરાછામાંથી એક મહિલાની આપઘાતનો મામલો સામે આવ્યો. આ મહિલાએ આપઘાત પહેલા તેની ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી હતી. ત્યારે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, સુરતના મોટા વરાછામાં શ્રીમંત બિલ્ડિંગમાં રહેતા પરિવારમાં પરિણીતાએ દીકરીની હત્યા કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.

બીમારીથી કંટાળી દીકરીને મોતને ઘાટ ઉતારી જનેતાએ પોતે પણ આપઘાત કરી લીધો
પરિણીતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતી અને તેણે બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મહિલાએ આપઘાત પહેલાં ત્રણ વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી તેની હત્યા કરી હતી. આ મામલે પરિણીતાએ સુસાઇડ નોટમાં તેની બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું પણ જણાવ્યુ છે. કેયૂર કથીરિયા કે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તેમના પત્ની રિંકલ કથીરિયાએ ત્રણ વર્ષની દીકરી વિવાની પહેલા ગળુ દબાવી હત્યા કરી દીધી અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઇ લીધો. આ ઘટના શનિવારે બની હતી, જ્યારે કોઈ ઘરે નહોતું.

ઘરે કોઇ નહોતુ ત્યારે આ પગલુ ભર્યુ
રિંકલના પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોવાથી ધંધાર્થે બહાર ગયા હતા અને તેના દિયર મેડિકલ દુકાન ચલાવતા હોવાને કારણે તેઓ પણ ઘરે ન હતા. જ્યારે સસરા નોકરી કરે છે અને સાસુ મંદિરે પૂજા કરવા ગયા હોવાથી સાંજના સમયે કોઈ ઘરે નહોતું ત્યારે રિંકલે પોતાની ત્રણ વર્ષની દીકરીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી અને પછી બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

દીકરી જન્મજાત કિડનીની બીમારીથી પિડાતી હતી
જો કે, જ્યારે મૃતક પરણિતાની સાસુ ઘરે આવ્યા ત્યારે વહુ અને પૌત્રીને આવી રીતે જોતા જ તેઓ આઘાતમાં મુકાઈ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષની વિવા જન્મજાત કિડનીની બીમારીથી પીડાતી હતી અને તેની માતા રિંકલ છેલ્લાં ઘણાં વર્ષોથી પિત્તની બીમારીથી પીડાઈ રહી હતી. અનેક ડોક્ટરની દવાઓ છતાં બીમારીમાંથી રાહત ન મળતા અને સતત ખર્ચ થતા આખરે કંટાળી તેણે આ પગલુ ભર્યુ.

Shah Jina