ઈઝરાયલથી આવેલી પરિણીતાનું સુરતના મોટા વરાછામાં રહસ્યમય મોત, છેલ્લા શબ્દો હતા- આ બધા મને મારી નાખશે…

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે, ઘણીવાર તો એવા રહસ્મય મોતના કિસ્સા પણ સામે આવે છે જેને આપઘાતમાં ખપાવી દેવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં મોટા વરાછામાં એક પરિણીતાનું રહસ્યમય રીતે મોત થયું છે. ઝેરી દવા પીધેલી હાલતમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. જે બાદ મૃતકના પિતાએ સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી. પ્રાપ્ત જાણકારી અનુસાર, પરિણીતાનો પતિ ઈઝરાયલમાં હીરાનો વેપાર કરે છે અને તેના બીજી યુવતી સાથે આડાસંબંધો છે અને તેને કારણે તે વારંવાર છૂટાછેડા માટે પરણિતા પર દબાણ કરતો હતો.

જેને લઇને સાસરિયા હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ આપવામાં આવી હતી. પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ છેલ્લે તેના પિતાને કહ્યું હતું કે, આ બધા મને મારી નાખશે, સાસુએ કંઈ પીવડાવી દીધું છે હોસ્પિટલ લઈ જાવ. મૃતક મોનિકા વેકરિયા મોટાવરાછા ઓપેરા હાઉસમાં રહેતી હતી અને તેને શુક્રવારના રોજ બપોરે ઘરેથી ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જે બાદ મોનિકાના પિતાએ પોતાની પુત્રીને પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યુ હોવાની ફરિયાદ નોંધાવી અને પોલિસે તપાસ હાથ ધરી.

ફરિયાદ અનુસાર, મોનિકાના 6 વર્ષ પહેલા ટેનિશ વેકરિયા સાથે લગ્ન થયા હતા, તે ઈઝરાયલમાં હીરાનો ધંધો કરે છે. આ લગ્નથી તેને એક સંતાન પણ છે. પતિ ટેનિશ વેકરિયા મોનિકાને કહેતો હતો કે તું મને ગમતી નથી. તેને અન્ય છોકરી સાથે અફેર હોવાથી તે મોનિકાને છૂટાછેડા આપવા દબાણ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ ઉપરાંત મોનિકાને છેલ્લા બે મહિનાથી સાસુ પ્રવિણાબેન, સસરા મનસુખભાઈ, નણંદ પારુલ પાદરિયા અને નેહા સવાણી અને નણદોઈ જસ્મીન પાદરિયા અને નિશાંત સવાણી પણ માનસિક ત્રાસ આપતા હતા.

મૃતકે તેના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, સાસુ-સસરા, બે નણંદ મને જીવવા નહીં દે, બધા મને મારી નાખશે. મારી સાસુએ મને કંઈ પીવડાવી દીધું છે, હોસ્પિટલ લઇ જાવ. ત્યારે હાલ તો મોનિકાની પિતાની ફરિયાદ પર ઉત્રાણ પોલીસે 7 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. મૃતક મોનિકાના સાસુ સંબંધી સાથે વાત કરતા હોવાની ઓડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં તેઓ કહી રહ્યા હતા કે ‘અમને તો ખાલી બયાન માટે બોલાવ્યા છે, એ લોકોએ ફરિયાદ નોંધાવી એટલે અગાઉ હંગામો ન થાય એટલે, આપણી તરફેણમાં જ છે. અહીંયા તો આપણી તરફેણમાં જ છે,

પ્રતિકાત્મક તસવીર

આ ઉપરાંત આગળ કહ્યુ કે, ટેન્શન ન લેતા, બોડી તો એના પિતાના ઘરે જશે, નિયમ છે કે દીકરીને લઇ જાય એના બાપા, એ તો જ્યારે થાય ત્યારે, અમારે કાલે આખો દિવસ રોકાવાનું થશે પોલીસ ચોકીમાં, અમને તો કાંઇ થશે નહીં, 150 લોકોનું ટોળું ફરિયાદ લખાવવા આવ્યું હતું. એટલે કંઇ નહીં તમે ઘરે સંભાળી લેજો, આપણે તૈયારી કરી લેવાની ન સોંપે કંઇ નહીં. મહિલાએ હવે હું વિજયને જાણ કરું છું તેવું અંતમાં કહ્યું હતું. અમારા જમાઈ ઇઝરાઇલમાં છેલ્લા દસ વર્ષથી કામ કરતા હતા. એવું પણ સામે આવ્યુ છે કે, સાસુએ હોસ્પિટલમાં એવું પણ કહ્યુ હતુ કે આ તો મેન્ટલ કેસ છે.

Shah Jina