ખબર

સુરતમાં થયેલી ઘટના માટે ટ્રાફિક પણ જવાબદાર ખરું કે નહીં ? શું ફાયર સેફટીની સાથે સાથે ટ્રાફિકની સમસ્યાનો ઉપાય શોધવો પણ જરૂરી છે કે નહીં ?

જીવ કોને વહાલો ના હોય ? માનવ હોય કે પશુ જ્યારે પોતાના જીવ ઉપર કઈ આવી બને ત્યારે એ પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્નો કરતાં હોય છે. મરવું કોઈને નથી ગમતું. દરેકના દિલમાં ઊંડે ઊંડે સુધી જીવવાની ઈચ્છા રહેલી હોય છે.

મૃત્યુની વાત આવે એટલે સુરતમાં બનેલી ઘટના યાદ આવશે જ. કારણ કે એ ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો હતાં. આ અગાઉ પણ સાપુતારા પાસે જે બસ ખીણમાં ખાબકી હતી એમાં પણ સુરત ના જ ઘણાં બાળકો મૃત્યુ પામ્યા હતાં. સુરતમાં જ નહીં. અવાર નવાર ઘણી જગ્યાએ આ પ્રકારના બનાવો બનતાં હોય છે. અને દર વખતે આવા બનાવ બન્યા બાદ જ આપણે થોડા તો થોડા દિવસ માટે જાગીએ છીએ જરૂર. વાંક કોનો છે ? એ શોધવા માટે પ્રેસ અને પબ્લિક બન્ને તૈયાર જ હોય છે. ગઈકાલે બનેલી ઘટનાના તો વિડિઓ પણ વાયુવેગે વાયરલ થયાં. અને દરેક વ્યક્તિએ એ ઘટનાને આંખો સામે નિહાળી. ટોળું વળીને વિડિઓ ઉતારતી પબ્લિક ઉપર ગુસ્સો પણ ઠાલવ્યો. ફેસબુક જેવા માધ્યમ ઉપર પોસ્ટ કરી પોતાનો રોષ પણ ઠાલવ્યો. પોતાના વિચારો રજૂ કર્યા, વિડિઓ જોતાં જોતાં બિલ્ડીંગ ઉપરથી નીચે કૂદતા બાળકો ને આમ કરવું હતું, તેમ કરવું હતું એવી સલાહો પણ આપતાં હતાં. પણ કદાચ આપણું બોલવું સહેલું છે, અને એ જગ્યા ઉપર ઊભા રહી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય એ વાત આખી જુદી છે. એ તો જેના પર વીતી એજ જાણે.

સમાચાર પત્રોમાં, ફેસબુકમાં, ટીવી ચેનલોમાં દોષી કોણ એ વિષય ઉપર જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને એ માટેની પણ હવે તૈયારીઓ થવા લાગી છે. પણ આ બધી બાબતોમાં મને હજુ એક બાબતમાં સુધાર લાવવાની જરૂર લાગે છે. અને કદાચ એ જ બાબત બીજા બધા મુદ્દાઓમાં ભુલાતી ગઈ લાગે છે. એ બાબત છે ટ્રાફિક.

આપણાં ગુજરાતમાં કેટલા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે ? ચાર રસ્તા ઉપર લાલ બત્તી દેખાતા ઉભું રહી જઉં. બાઈક ચલાવતા હેલ્મેટ કે કાર ચલાવતાં સીટ બેલ્ટ બાંધી લેવો. શું એટલાથી સમજી લેવું કે આપણે ટ્રાફિકના નિયમનોનું પાલન કરી લીધું ? તમે અને હું ઘણી જગ્યાએ જોતાં હોઈએ છીએ. કે ટ્રાફિકના નિયમોનું ખરા અર્થમાં ક્યાંય પાલન જ નથી થતું. ટ્રાફિકમાં જ્યાં જગ્યા મળી ત્યાંથી પોતાનું વાહન કેટલું જઈ શકે એજ વિચારીને આગળ નીકળવાના પ્રયાસો કરતાં હોઈએ છીએ. સિગ્નલ પાસે તો એવી રીતે આખો રોડ ભરચક કરીને ઊભા રહી જઈએ કે જો આ સમય દરમિયાન કોઈ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી આવતી હોય તો એને રસ્તો આપવા સુધીમાં જ ઘણું મોડું થઈ જાય. અને આવું જ કંઈક ગઈકાલે બનેલી ઘટનામાં જોવા મળ્યું. સમાચાર અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે ફાયર બ્રિગેડની ટિમ ટ્રાફિકના કારણે ત્રીસ મિનિટ મોડી પહોંચી. ત્રીસ મિનિટ નહિ, ફાયર બ્રિગેડની ટિમ જો વિસ મિનિટ પણ વહેલા આવી હોત તો પણ કેટલીય જિંદગીઓ બચાવી શક્યાં હોત. વિડિઓમાં સ્પષ્ટ દેખાય છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ આવ્યા પછી પણ બાળકો ઉપરથી કૂદી રહ્યાં હતાં. જો એ વહેલી આવી હોત તો શું આ ઘટના બનતી ? પણ એ કેમ મોડી પહોંચી ? ટ્રાફિકના કારણે. તો એ બાળકોના જીવ ગુમાવવા માટે ટ્રાફિકની અંદર ફાયર બ્રિગેડની ટીમને રોકી રાખેલ દરેક વ્યક્તિ જવાબદાર ખરો કે નહીં ?

Image Source

જેમ ફાયર સેફટીના નિયમો ચુસ્ત કરવાનું આપણને આ ઘટના બાદ વિચાર આવ્યો એમ શું ટ્રાફિકના નિયમો પાળવાની જરૂર નથી ? ટ્રાફિકના કાયદાઓ હજુ મજબૂત બનાવવાની જરૂર નથી ? ટ્રાફિકના નિયમોને અનુસરવાથી માત્ર અકસ્માતની સમસ્યાઓ ઘટશે એમ નથી. જો તમે આ નિયમોને સાચી રીતે અનુસરસો તો ફાયર બ્રિગેડ પોતાનું કામ ઝડપી કરી શકશે. એમ્બ્યુલન્સને હોસ્પિટલ પહોંચવામાં મોડું નહિ થાય. આ બાબતને પોતાની જાતે જ સમજવાની જરૂર છે. નાની નાની બાબતો ઘણું મોટું કામ કરી જાય છે. જો આપણે પોતે જ સતર્ક હોઈશું તો બીજાનું પણ જીવન બચાવી શકીશું. દોષના ટોપલા બીજા લોકો ઉપર ઢોળવાથી કે પોતાનો આક્રોશ બતાવવાથી જે બન્યું છે એ બદલાઈ નહિ શકે. પણ આ આપણી જાગૃતતાથી આવનાર સમયમાં આવી કોઈ ઘટના બનતા આપણે ચોક્કસ રોકી શકીશું. શરૂઆત પોતાનાથી જ કરો. આડેધડ પાર્કિંગ ના કરો. ટ્રાફિક સિગ્નલ ઉપર વ્યવસ્થિત રીતે પોતાનું વાહન બીજા વાહન પાછળ જ લગાવો. જો કોઈ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી આવતી દેખાય તો એ જલ્દી પસાર થાય એવા પ્રયત્નો સાથે મળીને કરો. શું ખબર કોઈનું જીવન બચાવવાનું સૌભાગ્ય કદાચ આપણાં જ હાથમાં લખેલું હોય…!!!

લે. નીરવ પટેલ “શ્યામ”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks