Video: સુરતના વિધાર્થી ખાર્કિવમાં ફસાયા, “ના હવે ખાવા માટે સામાન બચ્યો છે, ના પીવા માટે પાણી, બચીશું કે નહીં એ પણ ખબર નથી..”

આજે સાતમા દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે, યુક્રેનની અંદર હાલમાં પણ ઘણા વિધાર્થીઓ ફસાયેલા છે, અને તે ભારત આવવા માટેની રાહ જોઈ રહ્યા છે. રશિયાના હુમલા વચ્ચે હજારો વિધાર્થીઓ યુક્રેનમાં હતા, પરંતુ તે સમયસર બહાર ના નીકળી શક્યા. આ ભારતીયોને લાવવા માટે સરકાર દ્વારા મિશન ગંગા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારે ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની આપવીતી પણ વીડિયો શેર કરીને જણાવી રહ્યા છે. વીડિયોની અંદર જે વિધાર્થી જોવા મળી રહ્યો છે તેનું નામ કાનાબાર દીપ છે, ગુજ્જુરોક્સ સાથેની વાતચીતમાં તેને પોતે સુરતનો હોવાનું જણાવ્યું હતું, આ ઉપરાંત તે વીડિયોમાં પોતાની આપવીતી જણાવી રહ્યો છે.

દીપ જણાવી રહ્યો છે કે, તે હાલમાં ખાર્કિવ શહેરમાં છે અને તે ત્યાંની હોસ્ટેલમાં ફસાયો છે, તે પોતાની હોસ્ટેલનું એડ્રેસ પણ જણાવી રહ્યો છે, સાથે જ કહે છે કે “તમે સમાચારમાં સાંભળ્યું છે કે એક ભારતીય વિધાર્થીનું મોત થયું છે, તેનું કારણ અમને ખબર નથી પરંતુ તેના કારણે અમે ખુબ જ ડરી ગયા છીએ અને અમારો જીવ પણ ખતરામાં છે. અમારી હોસ્ટેલની બહાર પણ સૈનિકો ફરી રહ્યા છે અને ક્યારે હુમલો કરી દે તેની અમને કોઈ ખબર નથી. અમારો જીવ જોખમમાં છે.”

વીડિયોમાં તે એમ પણ જણાવી રહ્યો છે કે અહીંયા ત્રણ દિવસથી લાઈટ નથી, જેના કારણે મોબાઈલ પણ ચાર્જ નથી થઇ શક્યા, પાણી માટે પણ અમને હોસ્ટેલની બહાર જવા દેવામાં નથી આવી રહ્યા. આ વીડિયોની અંદર જ તે ખાર્કિવ શહેરનો નજારો બતાવે છે અને ત્યાં ચાલી રહેલા હુમલાના કારણે વાદળોમાં ધુમાડો છવાયો હોવાનું પણ જણાવે છે.

તે એમ પણ જણાવી રહ્યો છે કે અમને હવે નથી ખબર કે અમે ક્યાં સુધી હવે જીવતા રહીશું, અમને જેટલા જલ્દી રેસ્કયુ કરવામાં આવે એટલા જલ્દી જ અમારો જીવ બચી શકશે.  આ ઉપરાંત દીપ જે જગ્યાએ રહે છે તે જગ્યા પણ બતાવે છે અને ત્યાં લોકો પણ કેટલા ડરેલા છે તે બતાવી રહ્યો છે. સાથે જ છેલ્લા 6 દિવસથી તે કેવી રીતે અને ક્યાં અને કેવી જગ્યામાં સુઈ જાય છે અને તેમની પાસે ખાવાની પણ સુવિધા ના હોવાનું જણાવી રહ્યો છે.

બે દિવસ પહેલા પણ દીપે તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં તે જણાવી રહ્યો હતો કે અત્યારે અમે બેઝમેન્ટમાં છીએ અને મારી પાસે ખાવાનું અને પાણી ખતમ થઇ જવા આવ્યું છે. તે એમ પણ જણાવે છે કે અમે અહીંયા આટલા જ લોકો નથી, નીચે પણ 100-200 લોકો છે. આ ઉપરાંત તે સરકાર ઉપર દબાણ કરીને અમને બહાર કાઢવાનું પણ જણાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ બાબતે ગુજ્જુરોક્સ દ્વારા પણ દીપને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા, જેમાં અમે પૂછ્યું હતું કે તે કેટલા વર્ષથી યુક્રેનમાં છે અને શું કરે છે, ત્યારે તેને જવાબ આપ્યો કે, તે ચાર વર્ષથી ત્યાં રહે છે અને બી.ટેક રોકેટ એન્ડ સ્પેસ કોંપ્લેક્સમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત અમે તેને એમ પણ પૂછ્યું કે શું યુદ્ધ છેડતા પહેલા તે ભારત નહોતા આવી શકતા ? ત્યારે આ સવાલના જવાબમાં તેને જણાવ્યું કે નહોતા આવી શકતા !”

Niraj Patel