સુરત સ્પા અગ્નિકાંડ: નોકરીના પહેલા દિવસે યુવતીને સ્પામાં મોત ખેંચી લાવ્યું, મૃતકની બહેનનું હૈયાફાટ રુદન; જુઓ વીડિયો

સુરતના અપમાર્કેટ સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અમૃતા સ્પા એન્ડ સેલોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં બે મહિલાઓનાં મોત નિપજ્યાં છે. બેનુ લિમ્બો અને તેની 33 વર્ષીય મિત્ર મનીષા દમાઈનાં મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયાં હોવાનું પોલીસે જણાવ્યું છે. બંનેના મૃતદેહ ત્રીજા માળે આવેલા સ્પાના બાથરૂમમાંથી મળ્યા હતા. સુરત પોલીસે સ્પાના માલિક દિલશાદ ખાન અને સન જિમના માલિકો વસીમ મિસ્ત્રી તથા શાહનવાઝ મિસ્ત્રી સામે ગુનો નોંધ્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જિમના ઈલેક્ટ્રીકલ પેનલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સ્પાના કાચના દરવાજામાં ફિંગરપ્રિન્ટ સેન્સર લગાવેલા હતા. પોલીસનું માનવું છે કે બેનુ અને મનીષા દરવાજો ન ખોલી શકવાને કારણે ફસાઈ ગયા, જ્યારે અન્ય ત્રણ કર્મચારીઓ બચી ગયા. દિવાળી પછી મંગળવારે સ્પા શરૂ થયું હતું અને ગુરુવારે જિમ ખોલવાનું હતું. હવે આખું પરિસર તપાસ માટે સીલ કરાયું છે.

તપાસમાં જાણવા મળ્યું કે બેનુ અને મનીષા લોનાવલાના એક સ્પામાં સાથે કામ કરતા હતા. મનીષાના કહેવાથી બેનુ સુરત આવી હતી. બે મહિના પહેલા નોકરી છોડી સુરત આવેલી બેનુ ત્રણ દિવસ પહેલા જ સ્પા માલિકના ક્વાર્ટરમાં રહેવા આવી હતી. બેનુનો પગાર 18,000 અને મનીષાનો 22,000 રૂપિયા હતો.

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ઘટના સમયે સ્પામાં મેનેજર સ્મિતા સુપા અને બે કર્મચારી અવી તથા એમી પણ હાજર હતા. સન જિમની અંદર આવેલા આ સ્પામાં જિમ બંધ હોવાથી માત્ર કેરટેકર ચેતન સફાઈ માટે હાજર હતો. વેસુના ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું કે જિમના રિસેપ્શન પાસે ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. કેરટેકર ચેતને એલાર્મ વગાડી સૌને એલર્ટ કર્યા.

શરૂઆતમાં પાંચેય મહિલાઓ ભાગી, પરંતુ બેનુ અને મનીષા પાછા ફર્યા અને બહાર ન નીકળી શક્યા. દમાઈનો મૃતદેહ બાથરૂમમાંથી અને લિમ્બોનો પેડિક્યોર રૂમમાંથી મળ્યો. કાચના દરવાજામાં ફિંગરપ્રિન્ટ સેન્સર હતા પણ હેન્ડલ નહોતા. માત્ર કર્મચારીઓ જ જાણતા હતા કે તેને કેવી રીતે ખોલવા. ધુમાડાને કારણે સેન્સર સુધી પહોંચી ન શકાયું હોવાનું પટેલે ઉમેર્યું.

Divyansh