સુરત : પ્રેમીએ દગો દેતા હતાશ યુવતિ આપઘાત કરવા નીકળી, બ્રિજની જાળી ઓળંગી કૂદે એ પહેલા જ TRB જવાને બચાવી લીધી

પ્રેમ સંબંધમાં દગો મળસા સુરતની યુવતિ આપઘાત કરવા નીકળી, બ્રિજની જાળી પણ ઓળંગી ગઈ, સદ્નસીબે કૂદે એ પહેલાં જ TRB જવાને સતર્કતાથી બચાવી લીધી

ગુજરાતમાંથી ઘણીવાર આત્મહત્યાના મામલા સામે આવતા હોય છે, જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક યુવતી અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જઈ રહી હતી. એવું સામે આવ્યુ છે કે આ યુવતિ પ્રેમીએ દગો દેતાં હતાશ થઈ ગઇ હતી. જો કે, ટ્રાફિક બ્રિગેડના જવાન સહિતના લોકોએ તેને બચાવી પિતાને સોંપી હતી.(તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

બ્રિજની જાળી ઓળંગી નદીમાં કૂદે એ પહેલાં જ આ યુવતીને બચાવી લેવાઇ હતી. યુવતીને પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં તે હતાશ થઈ ગઇ હતી અને આપઘાત કરવા નીકળી પડી હતી. જો કે, જ્યારે યુવતિ તાપી નદીના બ્રિજની લોખંડની ગ્રીલ પર ચઢી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે નજીકમાં ટ્રાફિક પોલીસચોકી પર ફરજ બજાવતા રાહુલ દાયમાને તાત્કાલિક રિક્ષાચાલકે બૂમ પાડીને બોલાવ્યો અને રાહુલની સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો.

યુવતિને વાતમાં પરોવી અન્ય લોકો સાથે તેને પકડી રાખી અને તાત્કાલિક ફાયર કંટ્રોલ અને પોલીસને જાણ કરવામાં આવી. આ દરમિયાન મહિલાઓ સહિત લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ ફાયરે બ્રિજની જાળી કટર વડે કાપી તેને સલામત રીતે બચાવી. આ દરમિયાન આપઘાત કરવા જઇ રહેલી યુવતીની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યુ કે છેલ્લાં ચારેક વર્ષથી તેને એક યુવક સાથે ગાઢ પ્રેમસંબંધ હતા અને યુવતીનો પ્રેમી અત્યાર સુધી અપરિણીત હોવાનું કહીને સંબંધ શરૂ રાખ્યો.

પણ તેને તાજેતરમાં જ પ્રેમી પરિણીત હોવાની અને એક સંતાનનો પિતા હોવાની જાણ થતા તે હતાશ થઇ ગઇ. પ્રેમીએ દગો કર્યો હોવાનું જણાતાં જ હતાશ યુવતી તાપી નદીમાં કૂદી આપઘાત કરવા જઈ રહી હતી. જો કે, ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલ દાયમા સહિત લોકોએ તેને બચાવી સરાહનીય કાર્ય કર્યું. આ પછી યુવતિને તેના પિતાને સોંપી દેવાઇ હતી. એવી માહિતી સામે આવી છે કે યુવતીની માતાનું નિધન થઈ ગયું હોવાથી તે પિતા સાથે રહેતી હતી.

Shah Jina