દેશમાં હવે અંગદાનને લઈને લોકો ખુબ જ જાગૃત બની ગયા છે અને એમાં પણ સુરતવાસીઓ અંગદાનમાં અગ્રેસર જોવા મળી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ પ્રભાબેન નામના એક મહિલાના નિધન બાદ તેમના અંગદાનથી 5 લોકોને નવું જીવન મળ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેના બાદ તેમના આ કાર્યની ખુબ જ પ્રસંશા થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ તાલુકાના દદવા ગામના નિવાસી ધીરુભાઈ ભુવાના ધર્મપત્ની પ્રભાબેન 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગે પોતાની સોસાયટીમાં સત્સંગ કરી રહ્યા હતા તે દરમિયાન જ તેઓ બેભાન થઇ ગયા. પરિવારજનો તેમને તરત જ વરાછાની એક હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ માલુમ પડ્યું કે તેમને બ્રેઈન હેમરેજ થઇ ગયું છે. જેના બીજા જ દિવસે ડોક્ટર દ્વારા પ્રભાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રભાબેનના નિધન બાદ ડોક્ટરોએ તેમના પરિવારજનોને અંગદાન વિશેની માહિતી આપી. જેના બાદ પ્રભાબેનનો પરિવાર અંગદાન કરવા માટે રાજી થયો. જેના બાદ ડોક્ટરની ટીમ દ્વારા ડોનેટ લાઈફના સંસ્થાપક અને અધ્યક્ષ નિલેશ મંડેલવાલાનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને પ્રભાબેનના નિધનની જાણકારી આપવામાં આવી.
ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી અને પ્રભાબેનના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યુ, તેમને જણાવ્યું કે જો તેમના અંગોનું દાન કરવામાં આવશે તો 5 લોકોને એક નવું જીવન મળી રહેશે. પ્રભાબેન ભલે આ દુનિયામાં હયાત નહિ હોય પરંતુ તેમના અંગો સ્મૃતિ રૂપે પાંચ લોકોમાં ચોક્કસ રહેશે.
જેના બાદ પરિવારજનોએ પણ અંગ દાનના નિર્ણયને સ્વીકાર્યો. અને પાંચ લોકોને નવું જીવન આપવાનું નક્કી કર્યું. પ્રભાબેનના દીકરાએ પણ જણાવ્યું કે તેમના માતા ધાર્મિક હતા, સત્સંગ કરતા અને છાપામાં અંગદાન વિશે પણ વાંચતા હતા. પરિવારની સહમતી બાદ તેમની કિડની ચક્ષુ, કિડની અને લિવરનું દાન કરીને પાંચ લોકોને નવું જીવન આપવામાં આવ્યું.