સુરત : પોલિસે આપ્યો સાયકલ ચાલકને મેમો, 3000 રૂપિયાનો મેમો ફટકારતા બન્યો ચર્ચાનો વિષય

હાલ તો આ અનોખો કિસ્સો સુરતમાંથી સામે આવી રહ્યો છે. અહીં પોલિસે એક સાયકલ ચાલકને મેમો ફટકાર્યો છે. સાયકલ ચાલક વિરૂદ્ધ પોલિસે મોટર વ્હીકલ એક્ટ કલમ 184 લગાવી છે અને તમને જણાવી દઇએ કે, આ કલમ જે વાહનમાં એન્જિન હોય તેમાં જ લગાવી શકાય છે.

આ ઘટનાની વિગત જોઇએ તો, સુરતના સચિન વિસ્તારમાં રહેતા રાજ બહાદુર મિલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ પાંડેસરા હાઉસિંગ બોર્ડ પાસે જૂની પોલિસ લાઇનમાં રહે છે. તેઓ સચીન જીઆઇડીસી તરફ જઇ રહ્યા હતા અને રોંગ સાઇડમાં સાયકલ ચલાવી તો પોલિસે તેમને ઊભા રાખ્યા અને કેમ રોંગ સાઇડ આવો તેમ જણાવ્યુ અને તેમણે પોલિસને જણાવ્યુ કે, તેઓ રોજ આ જ રીતે આવે છે.

સુરત પોલિસ સતત વિવાદમાં થોડા સમયથી સપડાઇ રહી છે, હાલમાં જ PIના વિદાય સમારંભનો કિસ્સો સામે આવ્યો ત્યા તો હાફ પેન્ટ પહેરી પોલિસ સ્ટેશનમાં એક વ્યક્તિ ગયો હતો અને ત્યારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને હવે આ રોંગ સાઇડમાં સાયકલ ચલાવવા પર મેમો ફટકારવામાં આવ્યો તે કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 3000નો મેમો આ સાયકલ ચાલકને ફટકારતા આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

આ બાબત અંગે ટ્રાફિક એસીપી અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ જે લગાવવામાં આવી છે તે ખોટી છે અને તેમાં તેઓ સુધારો કરશે, આ તો ઠીક છે પરંતુ હવે મહેસાણામાં પોલિસે એડવાન્સ મેમો આપવાનું શરૂ કર્યુ છે તે પણ સામે આવ્યુ છે અને જુલાઇ મહિનાની તારીખની પાવતી આપવામાં આવી જો કે, હજુ તો જુલાઇ મહિનો જ આવ્યો નથી.

Shah Jina