સુરત સ્પા ચલાવનાર મહિલા દોસ્તી કરવામાં 47 વર્ષના યુવકને 25 લાખનો ચૂનો લાગ્યો, સ્ટોરી એવી છે કે મગજ ફેરવી નાખશે

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે. જેમાં મહિલા કે યુવતિઓ તેમના સાથીદાર સાથે મળી કોઇ યુવક કે આધેડને પોતાની જાળમાં ફસાવી પછી તેમની સાથે ગંદુ કૃત્ય કરી બ્લેકમેઇલ કરતી હોય છે અને પૈસા પડાવતી હોય છે. સુરતમાંથી હનીટ્રેપના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં પણ સુરતમાંથી જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વેસુમાં સ્પા ચલાવતી મહિલા સાથે એક વેપારીને મિત્રતા કરવી 25.43 લાખમાં પડી. વેસુ એલપી સવાણી રોડ પર રહેતા અને મેનિકિન એટલે કે કપડાના શોરૂમમાં જે પૂતળા રાખવામાં આવે છે તેનો ધંધો કરતા 47 વર્ષીય વેપારીએ બે વર્ષ પહેલા એક મિત્ર મારફતે અમનદિપકૌર નામની મહિલા સાથે મિત્રતા કરી હતી.

આ વેપારીને તેણે પોતાની દીકરી બિમાર હોવાનું કહી બોલાવ્યો હતો અને વેપારી પણ 9 માર્ચના રોજ સવારે મહિલાના ઘરે ગયો હતો. ત્યારે ઘરમાં 3 ઈસમો આવ્યા અને તેને ઢીક્કામુક્કીનો માર માર્યો. આ દરમિયાન મહિલા અને સગીરા હાજર હતી. આ ઉપરાંત વેપારીના ઘરની ચાવી લઈ તેને આખીરાત એક રૂમમાં ગોંધી રાખ્યો. મહિલાએ વેપારી પાસેથી 20 લાખના કોરા 4 ચેક લખાવ્યા અને લોકડાઉનમાં ઉછીના લીધા છે એમ કહી વકીલ પાસે લખાણ કરાવ્યું. આ ઉપરાંત એવી પણ ધમકી આપી કે જો લખાણ નહિ કરી આપે તો બરાત્કારના કેસમાં ફસાવી દેશે. તે બાદ વેપારીને બીજા દિવસે બપોરે મોપેડ અને ચાવી આપી.

જ્યારે વેપારી ઘરે ગયો ત્યારે સંતાનોએ કહ્યું કે, કબાટમાં સામાન વેરવિખેર પડેલો હતો અને તે બાદ વેપારીએ ચેક કર્યુ તો 15 લાખ રોકડ, મોબાઇલ અને 9.60 લાખના દાગીના તેમજ મિલકતોના દસ્તાવેજ મળી 25.43 લાખની લૂંટ થઈ હતી. ઘરમાં લૂંટ થયાની જાણ થતા જ વેપારીએ પેસેજમાં લાગેલા કેમેરાની તપાસ કરી તો બે સગીરા 9 માર્ચના રોજ બપોરે બેગ લઈને જતી દેખાઈ અને બીજા 3 સાગરિતો દૂર ઊભેલા દેખાયા. ત્યારે વેપારીએ આખરે અમરોલી પોલીસમાં અમનદિપકૌર ઉર્ફે પૂજા ઉર્ફે કોમલ સિકંદરસિંહ અને બે સગીરાઓ સહિત 6 જણા સામે ફરિયાદ નોંધાવી.

પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી મહિલા અને બે સગીરાઓ તેમજ મહિલાની સોસાયટીમાં રહેતા 3 ઈસમોને પકડી પાડ્યા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત તેમણે રોકડ અને દાગીના સહિત રિકવરી કરવાના પ્રયાસ શરૂ કર્યા. ઉલ્લેખનીય છે કે, મહિલા વેસુ સફલ સ્ક્વેરમાં સ્પા ચલાવે છે અને તેણે વેપારીને એકાદ વર્ષ પહેલા પતિ સાથે છૂટાછેડા થઈ ગયાની વાત કરી હતી. તેણે વેપારીને પોતાને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું જણાવ્યું હતું. તેણે એવું પણ જણાવ્યુ હતુ કે, મહિલાએ પંજાબમાં સિકંદર સાથે બીજા લગ્ન કરી સુરતમાં રહેવા આવી હોવાનું કહી છૂટાછેડાની વાત કરી હતી.

Shah Jina