ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ તેમજ સગીરાઓ પર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર નરાધમ આરોપીઓ યુવતિઓ કે સગીરાઓ સાથે કોઇ લાલચે શરીર સંબંધ બાંધતા હોય છે અને પછી અંગત પળોના ગુપ્ત રીતે ફોટો અથવા તો વીડિયો લઇ પછી પીડિતને બ્લેકમેઇલ કરતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
એક કિશોરીને ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી. સુરતના ગોડાદરામાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીની તેના માતાના ફોનમાં ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામ વાપરતી અને આના દ્વારા જ તેનો સંપર્ક એક યુવક સાથે થયો. યુવક અને કિશોરી બંને વચ્ચે ઓનલાઈન જ ઈન્સ્ટાગ્રામથી મિત્રતા થઈ અને પછી વાતચીત દરમિયાન યુવકે એક દિવસ કિશોરીને મળવા એક જગ્યાએ બોલાવી.
બંને જ્યારે મળ્યા ત્યારે એક ચુંબન થયુ.આ સમયે યુવક દ્વારા કિશોરીનો ફોટો પાડી લેવામાં આવ્યો અને આ ફોટો બતાવીને જ યુવક દ્વારા યુવતીનું વારંવાર બ્લેકમેઈલિંગ શરૂ કરવામાં આવ્યું. યુવક કિશોરીને સતત ફોનમાં પાડેલ ફોટો વાયરલ કરવાની ધમકી આપતો.

જો કે, ફોટો વાયરલ ન કરવા માટે તેણે કિશોરી પાસે રૂપિયાની માંગણી કરી અને કિશોરી પણ સમાજમાં આબરૂ ન જાય તે માટે અને ઘરે ખબર ન પડે તે માટે યુવકને પૈસા આપવા તૈયાર થઇ. કિશોરીએ ધીમે ધીમે ઘરમાં ટુકડે ટુકડે ચોરી કરી અને યુવકને 50 હજાર રૂપિયા આપ્યા.તો પણ યુવકની રૂપિયાની ભૂખ સંતોષાઈ નહિ અને એક દિવસ રૂપિયા માંગવા માટે યુવક કિશોરીના ઘરે જતો રહ્યો.

ત્યારે કિશોરીના માતાને જાણ થઇ અને તેની માતાએ યુવક વિકાસ વિશ્વકર્માને ઘરેથી ભગાડ્યો. ઘરેથી ભગાડ્યા બાદ યુવકનો ભાઈ આવીને દાદાગીરી કરવા લાગ્યો અને તે બાદ આખરે યુવતીના પરિવારે યુવક અને તેના ભાઈ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે યુવક અને તેના ભાઈની ધરપકડ કરી.