દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રસિદ્ધ લેખકની કલમે

“પપ્પા, હું ફેશન ડિઝાઈનર બનીશ” – સુરતમાં બનેલી ઘટનાની હકીકતને કલ્પનિકતાનું રૂપ આપી લખાયેલ એક કાલ્પનિક વાર્તા, જરૂર વાંચજો… જોજો… વાંચ્યા પછી આંખો ભીની થઇ જશે

“પપ્પા, હું ફેશન ડિઝાઈનર બનીશ”
“કેટલા ટેનશનમાં છે યાર, હજુ તો મકાનના હપ્તા નથી ભરાતાં ત્યાં મારી દીકરીને ક્લાસિસની ફી ભરવાની આવી ગઈ. મોંઘવારી પણ કેટલી બધી વધી ગઈ છે? કેવી રીતે જીવવું એજ કઈ સમજાતું નથી.”

કમલેશભાઈ પોતાની ઓફિસના સહકર્મચારી સુરેશભાઈ સામે પોતાની મનોદશા વ્યક્ત કરી રહ્યાં હતાં. સુરેશભાઈએ તેમના ખભે હાથ મૂકતા કહ્યું: “શું કરી શકીએ આપણે કમલેશભાઈ? સંતાનોને ભણાવવા આપણી ફરજ છે. આ કામ આપણે કોના માટે કરીએ છીએ? આપણા બાળકો સારું ભણે એના માટે જ ને? આપણા મધ્યમવર્ગીય કુટુંબનો આ પ્રશ્ન તો રહેવાનો જ.”

Image Source

“હા, સુરેશભાઈ. ગામડું છોડી અને શહેરમાં આવ્યા, આપણે જે જીવન ગામડામાં રહીને જીવ્યું, જે ના મેળવ્યું એ આપણા બાળકોને મળે એ માટે સતત મહેનત કરી, પોતાના મોજશોખ છોડી અને કમાઈ રહ્યા છે. ચાલો જેટલું થશે એટલું કર્યા કરીશું. બાકી ઉપરવાળાની મરજી.”

એટલું બોલી કમલેશભાઈ પોતાનું ટિફિન લઈ ઘરે જવા માટે નીકળ્યા.
કમલેશભાઈની એકની એક દીકરી રચના બારમાં ધોરણની પરીક્ષા આપી હતી. રિઝલ્ટ આવવાની હજુ વાર હતી, અને રચનાની ઈચ્છા ફેશન ડિઝાઈનર બનવાની હતી. તેના પપ્પા મમ્મી પણ આ નિર્ણયમાં સહભાગી હતાં.

કમલેશભાઈ ગામ છોડીને જ્યારે શહેરમાં આવ્યા ત્યારે રચના માત્ર પાંચ વર્ષની જ હતી. દસમુ ધોરણ ભણેલા કમલેશભાઈને બહુ સારી નોકરીની અપેક્ષા તો હતી જ નહીં. પણ પોતાના બાળકો શહેરમાં ભણે એવી ઇચ્છાએ તેમને ભાડાનું ઘર રાખી શહેરમાં વસવાટ કર્યો. થોડા સમયમાં જ કાપડની મિલમાં કમલેશભાઈને નોકરી તો મળી ગઈ. પણ શહેરના ખર્ચા પહોંચી વળાય એમ નહોતા. રચનાને સ્કૂલમાં ભણવા મૂકી. પહેલા ધોરણની ફી જ તેમના બે મહિનાના ઘર ખર્ચ જેટલી હતી. છતાં દીકરી સારું ભણે એ માટે એમને સાહસ કર્યું. કમલેશભાઈના પત્ની આશાબેન પોતાના પતિની મનોદશા બરાબર સમજતાં હતાં. લગ્ન પહેલાં આશાબેન સીવણની તાલીમ લીધી હતી. એટલે ઘરે રહી સિવવાનું કામ કરી કમલેશભાઈને ઘરખર્ચમાં મદદ કરી શકાય એ માટે તેમને સીવણ મશીન લાવવાની વાત કરી. કમલેશભાઈએ પણ આશાની વાતનો રાજીપો બતાવ્યો. બજારમાંથી હપ્તે મશીન પણ મળી ગયું. આશાનું કામ પણ શરૂ થઈ ગયું.

કમલેશભાઈને પણ થોડી શાંતિ થઈ. હવે ઘરખર્ચ સાથે બચત પણ થવા લાગી હતી. રચના બાળપણથી જ પોતાની મમ્મીને સીવણનું કામ કરતાં જોતી હતી. રચના જ્યારે દસ વર્ષની થઈ ત્યારથી જ તેની મમ્મી તેને સિવણનું થોડું થોડું કામ શીખવવા લાગી. તેના કારણે જ તેના મનમાં ફેશન ડિઝાઈનર બનવાની ઈચ્છા જાગી હતી.

Image Source

રચના જ્યારે પંદર વર્ષની થઈ ત્યારે તે ખૂબ જ બીમાર થઈ ગઈ. ઘણી દવાઓ કરી પણ કોઈ દવા અસર જ ના કરે. શહેરમાં આવેલી સૌથી મોટી અને સૌથી મોંઘી હોસ્પિટલમાં રચનાને દાખલ કરવાની સલાહ તેમના પાડોશીઓએ આપી. દસ વર્ષમાં કમલેશભાઈ અને આશાબેને થોડે થોડે કરીને ઘર ખરીદવા માટે બચત કરી હતી. પણ નવા ઘર કરતાં દીકરીનો જીવ વધુ કિંમતી હતો. એટલે એમણે એ બચત તોડી રચનાને હોસ્પિટલમાં એડમિટ કરી. પંદર દિવસમાં રચના સાજી તો થઈ ગઈ પણ કમલેશભાઈની અડધા ઊપરની બચત વપરાય ગઈ. પણ દીકરી બચી ગઈ એનો આનંદ આશાબહેને અને કમલેશભાઈને હતો. એમને બીજું સંતાન પણ હતું નહીં. જે હતી તે રચના જ હતી. પૈસા પછી પણ ભેગા થઈ જશે એમ વિચારીને જ કમલેશભાઈએ દવા કરવામાં કોઈ કસર બાકી ના રાખી. અને તેનું પરિણામ તેમની સામે જ હતું.

રચના ભણવામાં પણ ખૂબ જ હોશિયાર, મહેનતી પણ એટલી જ. ભણવા સિવાય હવે તેની મમ્મીને સિવવામાં પણ મદદ કરવા લાગતી. દસમાં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ. કમલેશભાઈએ પણ હવે નવા ઘરનું ડાઉન પેમેન્ટ ભરી શકાય એટલી બચત કરી જ લીધી હતી. એટલે એમણે નવી બનતી સોસાયટીમાં જ એક ઘર ડાઉન પેમેન્ટ ભરી બાકીની રકમ લોન કરાવીને રાખી લીધું. ભાડાનું ઘર છોડી તેઓ પોતાના ઘરમાં રહેવા આવી ગયા.

Image Source

ત્રણેય વ્યક્તિઓ ઘરમાં સુખે રહેતાં. કમલેશભાઈ અને આશાબેનને રચના પાસેથી ઘણી આશાઓ હતી. તે સારું ભણે અને મોટી ફેશન ડિઝાઈનર બને એવું તે ઇચ્છતા. યુ ટ્યુબમાં વિડિઓ જોઈ રચના અવનવા કપડાં સિવતી તેની મમ્મીને પણ હવે તે શીખવવા લાગી હતી. પણ એને ભણવામાં પૂરતો સમય મળતો નહીં એટલે વધુ કામ લેતાં નહિ. તેની મમ્મીથી જેટલું થઈ શકે એટલું કામ જ રાખતાં. બારમાં ધોરણની પરીક્ષા આપી હતી. અને રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ઘરે બેસવું પડે એમ હતું. પેપરમાં આવેલી ફેશન ડિઝાઈનર કલાસની જાહેરાત જોઈ તેને પોતાના પપ્પાને એ ક્લાસમાં એડમીનશ લેવા માટે કહ્યું. કમલેશભાઈએ થોડા પૈસા બચાવી રાખ્યા હતાં જેમાંથી રચનાના રિઝલ્ટ બાદ એડમિશનમાં વાપરવાના હતાં. પણ વચ્ચે ફેશન ડિઝાઇનના કોચિંગ ક્લાસમાં જવાની રચનાની વાતે કમલેશભાઈનું થોડું ટેનશન વધારી આપ્યું હતું. પણ દીકરી માટે તે કંઈપણ કરવા તૈયાર હતા. રિઝલ્ટ આવ્યા બાદ કોઈ રસ્તો કરી લઈશું. એમ વિચારી કોચિંગ ક્લાસમાં રચનાને મોકલવા માટે તૈયારી બતાવી.

Image Source

રચનાના કોચિંગ કલાસ શરૂ થઈ ગયા. કમલેશભાઈ તેને પોતાના સ્કૂટર ઉપર ક્લાસિસમાં મુકવા માટે જતાં. પોતાની દીકરી પોતાનું નામ રોશન કરશે એવી આશા સાથે કમલેશભાઈ મુશ્કેલીઓના ભાર નીચે દબાઈને પણ ખુશ રહેતાં.
એક દિવસ રચનાને ક્લાસિસમાં મૂકી અને તેઓ મિલમાં ચાલ્યા ગયા. આશાબેન ઘરે દરવાજો બંધ કરી ટીવી ચાલુ કરી પોતાને ગમતી સિરિયલ જોતાં જોતાં સિવવાનું કામ કરી રહ્યાં હતાં. અચાનક જોર જોરથી દરવાજો ખખડવાનો આવાજ આવ્યો. આશાબેન ઉતાવળા ઊભા થઈને દરવાજો ખોલ્યો. તો બાજુના ઘરમાં રહેતો નિલેશ હતો.

આશાબેને પૂછ્યું: “શું થયું?”
“માસી, તમે કઈ જાણ્યું?” નિલેશે જવાબ આપ્યો.
“ના, પણ થયું છે શું એ તો મને જણાવ!” આશાબેને ચિંતા ભર્યા સ્વરે પૂછ્યું. નિલેશે સામે બીજો પ્રશ્ન કર્યો.
“રચના ક્યાં છે?”
“એ તો ક્લાસિસમાં ગઈ છે. પણ શું થયું છે એ તો બોલ.” આશાબેન વધુ ચિંતાગ્રસ્ત થઈ પૂછવા લાગ્યા.
“રચના જે કોચિંગ સેન્ટરમાં જાય છે ત્યાં ભયાનક આગ લાગી છે. મારા મોબાઈલમાં વિડિઓ આવ્યો. જુઓ.” એમ બોલી નિલેશે પોતાનો મોબાઈલ આશાબેનના હાથમાં આપી દીધો.

Image Source

વિડિઓ જોતાં આશા બહેનની આંખો ભરાવવા લાગી. રડતાં રડતાં જ નિલેશને કહ્યું: “તારા કાકાને જલ્દી ફોન કરીને જણાવ.” નિલેશે કમલેશભાઈને ફોન કર્યો. એમને ક્લાસિસ પાસે જ આવવા માટે કહ્યું. નિલેશ પોતાના બાઈક ઉપર આશાબેનને લઈને કોચિંગ ક્લાસિસ પાસે પહોંચ્યો.

કોચિંગ કલાસ પાસે મોટી ભીડ જામી હતી. અગ્નિશામક દળ પોતાની કામગીરી કરી રહ્યું હતું. શોભના અને કમલેશ રચનાને શોધી રહ્યાં હતાં. પણ રચના ક્યાંય દેખાતી નહોતી. કેટલાય લોકોને પૂછી વળ્યાં, પણ કોઈ પાસે કઈ જવાબ નહોતો. અંતે એક પોલીસ કર્મીને પૂછતાં જવાબ મળ્યો કે “હોસ્પિટલમાં જઈને તપાસ કરો.” કમલેશભાઈ અને શોભના ઉતાવળા હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં જઈ પોતાની દીકરીની વાત કરી. ત્યાંથી હોસ્પિટલનો એક કર્મચારી તમને એક રૂમ પાસે લઈ ગયો અને પંદર જેટલા મૃતદેહ બતાવીને કહ્યું: “આ બધામાંથી તમે તમારી છોકરીને ઓળખી કાઢો.”

બધા જ મૃતદેહના શરીર દાઝી ચૂકેલા હતાં. ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. ધ્રુજતા હાથે અને રડતી આંખોએ કમલેશભાઈ અને આશા એક પછી એક મૃતદેહને જોવા લાગ્યા. એક મૃતદેહ પાસે જઈ તેમના પગ ઉભા રહી ગયા. આશાબેને એક મોટી ચીસ પાડી.. “ર…ચ…ના..” તેમનો અવાજ હોસ્પિટલમાં દૂર દૂર સુધી કેટલાય લોકોના હૈયાને હચમચાવી ગયો. કમલેશભાઈ પણ તેના મૃતદેહ પાસે ટૂંટિયું વળીને ફસડાઈ પડ્યા.

લે. નીરવ પટેલ “શ્યામ”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks