સુરત : પ્રેમિકા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી પ્રેમીએ જીવતી સળગાવી દીધી, આડાસંબંધ હોવાની આશંકામાં થયો હતો ઝઘડો

સુરતમાં પ્રેમીએ પ્રેમિકા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવી દીધી, શંકામાં ઉતારી લિવ-ઇન પાર્ટનરને મોતને ઘાટ

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, પણ હાલમાં સુરતના કતારગામમાંથી ખૂબ જ હચમચાવતો હત્યાનો કિસ્સો સામે આવ્યો. એક પ્રેમીએ રાત્રે સૂતેલી તેની પ્રેમિકા પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી. જો કે, પીડિતાને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પણ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું. પ્રાપ્ત જાણકારી અનુસાર, કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર 50 વર્ષીય રાધા ઝરપડા પરિવાર સાથે રહેતી હતી, તેને શંભુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને રાધાનો પતિ રાજસ્થાનમાં રહેતો હતો.

રાધા સુરતમાં તેના એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. જો કે, શંભુ સાથે પ્રેમ સંબંધ બંધાતા તે છેલ્લાં પાંચ વર્ષથી લિવ ઈનમાં રહેતી હતી. ત્યારે રાધા પરિવાર સાથે રાત્રે ફૂટપાથ પર સૂઈ રહી હતી તે સમયે 1.45 વાગ્યે શંભુ પેટ્રોલ લઈને આવ્યો અને રાધાને સળગાવી દીધી. જો કે, રાધાએ બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયાં અને તે બાદ પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી. જો કે ગંભીર રીતે દાઝી જવાના કારણે રાધાનું ટૂંકી સારવાર દરમિયાન સવારે સાડા છ વાગ્યે મોત થયુ.

રાધાનો પતિ વતનમાં ખેતી કામ કરતો અને બાળકો રાધા સાથે રહીને કડિયા કામ કરી ગુજરાન ચલાવતા. રાધાની દીકરીનું કહેવુ છે કે, શંભુ રાધા પર શંકા કરતો કે તે કોઈ અન્ય સાથે વાત કરી રહી છે અને આ જ વહેમમાં તેણે તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. ઘટનાની જાણ થયા બાદ પોલીસે મહાદેવ મંદિરમાંથી શંભુને પકડી પાડ્યો હતો અને જેલ હવાલે કર્યો હતો. પોલીસે શંભુ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

એવું સામે આવ્યુ છે કે મૃતક રાધા અને આરોપી શંભુ વચ્ચે આઠ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ છે કે હજુ તો બે દિવસ પહેલાં જ રાધાના કોઈ અન્ય સાથે આડાસંબંધ હોવાની આશંકામાં બંનેનો ઝઘડો પણ થયો હતો અને આરોપીએ ઉશ્કેરાઈને રાતમાં આવું પગલું ભર્યુ.

Shah Jina