સુરત : પહેલા પતિ સાથે ડિવોર્સ બાદ 3.50 લાખ રૂપિયા, બીજા લગ્નના 2 મહિના બાદ ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ લઈ ફરાર

હાલ ઘણીવાર લૂટેરી દુલ્હનના કિસ્સા સામે આવતા હોય છે, જેમાં અનેક યુવતિઓ યુવક સાથે લગ્ન કરી તેમને લૂંટીને ફરાર થઇ જતી હોય છે. હાલ આવો જ એક કિસ્સો સુરતના સરથાણામાંથી સામે આવ્યો છે. જયાં એક યુવકે લગ્ન કર્યાના બે મહિના બાદ જ તેની પત્ની ઘરમાંથી રોકડા અને દાગીના મળી કુલ 4.50 લાખ લઇ ફરાર થઇ ગઇ. આ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. પોલિસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી દિવ્ય ભાસ્કરને મળતી માહિતી અનુસાર, નરેશ પોપટ શિયોરા જે રત્ન કલાકાર છે અને સરથાણામાં શામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહે છે. તેમના સંબંધી હરસુખભાઇના દુકાને છ મહિના પહેલા મમતા દૌરાણી કે જેની ઉંમર 21 વર્ષ છે તે ખરીદી માટે આવતી હતી. તે મુળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે.

મમતાએ હરસુખભાઇને કહ્યું હતું કે, કોઈ સારો છોકરો હોય તો લગ્નની વાત કરવા બતાવજો. ત્યારે હરસુખભાઇએ આ બાબતે નરેશને આ વાત કરી અને નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાના છે. ત્યારબાદ તે લગ્ન કરશે. તે બાદ 4 ફેબ્રુઆરીના રોજ નરેશ અને મમતાએ લગ્ન કર્યા અને 7 ફેબ્રુઆરીએ પ્રસંગ નિમિત્તે નરેશના પિતાએ મંગળસૂત્ર બનાવડાવ્યુ જે 30 ગ્રામનું હતુ અને આ ઉપરાંત બીજા દાગીના અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા.

ત્યારે 25 માર્ચના રોજ તે દાગીના અને રોકડા મળી 4.50 લાખ લઇ ફરાર થઇ ગઇ હતી. અને તેનો ફોન પણ બંધ હતો તે બાદ જાણવા મળ્યુ કે તેના પહેલા પતિ સાથે તેણે 15 દિવસમાં જ ડિવોર્સ વીધા હતા અને ડિવોર્સ પહેલા 3.50 લાખ રૂપિયા પણ લીધા હતા.નરેશે સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Shah Jina