સુરત : ડેન્ગ્યુએ લીધો મહિલા ડોક્ટરનો ભોગ, શહેરમાં મચી ગયો ફફડાટ

સુરતમાં હાલ તો વરસાદે આંશિક વિરામ લીધો છે જો કે મચ્છરજન્ય રોગો વકરી રહ્યા છે. આ વચ્ચે ડેન્ગ્યુના કારણે પાલિકા સંચાલિત હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા ડોક્ટર ધારા ચાવડાનું મોત નીપજ્યું છે. આ મહિલા ડોક્ટર મૂળ અમદાવાદના હતા અને સુરતમાં અભ્યાસ કરી રહ્યા હતા. ગુરૂવારના રોજ સ્મીમેર હોસ્પિટલના નિવાસી મહિલા ડોક્ટરનું ડેન્ગ્યુના કારણે મોત થતા હાહાકાર મચી ગયો. ત્યારે સ્વચ્છતાની મોટી મોટી ગુલબાંગો મારતી પાલિકાના સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં જ ગંદકી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

હોસ્ટેલના પેસેજમાં ગંદકીની સાથે બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી અને હાલ સુરતના પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રહેતી 24 વર્ષિય ડોક્ટર ધારા ચાવડા સ્મીમેર હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં આર-1 તરીકે ફરજ બજાવતી હતી. તેને બેથી ત્રણ દિવસથી તાવ આવતો હતો અને તેને કારણે તેણે રિપોર્ટ પણ કરાવ્યો હતો.

રીપોર્ટમાં ડેન્ગ્યુ હોવાની જાણ થતા અને તબિયત સારી ન થતા મંગળવારે તેને સ્મીમેરના ગાયનેક વિભાગમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી, આ પછી વધુ સારવાર માટે ડો.ધારાનો પરિવાર તેને વિનસ હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં સારવાર દરમિયાન તબિયત વધારે બગડ્યા બાદ ગુરુવારે વહેલી સવારે મોત નિપજ્યું. ડેન્ગ્યુના શરૂઆતના લક્ષણમાં તાવ આવવો, આંખોમાં પીડા, સાંધા સહિત આખા શરીરમાં દુખાવો, ઉબકા કે ઉલ્ટી, થાક કે ચીડિયાપણું અને પેટનો દુખાવો છે.

આમ તો ડેન્ગ્યુના મોટાભાગના કેસમાં લક્ષણ નથી દેખાતા પણ અન્ય કેસમાં ડેન્ગ્યુના લક્ષણ મચ્છર કરડ્યાના 4થી10 દિવસ બાદ દેખાવા લાગે છે અને ત્રણથી સાત દિવસ સુધી રહે છે. જેના કારણે બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે.સપ્ટેમ્બર માસના 12 તારીખ સુધી સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મલેરિયા અને ડેન્ગ્યૂના 94 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં તેના કરતાં ત્રણ ગણા કેસો નોંધાઈ ચૂક્યા છે.

Shah Jina