સુરતમાં કોરોનાએ ચાર જ દિવસમાં આખો પરિવાર વિખેરી નાખ્યો, 2 સભ્યોના મોત અને 2 હજુ પણ સંક્રમિત

કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક બની રહી છે. વધતા જતા કોરોનાના સંક્રમણના કારણે ઘણા લોકોએ પોતાના સ્નેહી સ્વજનો ગુમાવ્યો છે, જેના ઘણા કિસ્સાઓ સમાચાર અને સોશિયલ મીડિયામાં પણ વહેતા જોવા મળ્યા છે.

સુરતમાં પણ એક પરિવાર સાથે એવું જ કંઈક બન્યું છે. જેમાં માત્ર ચાર દિવસના અંતરાલમાં જ કોરોના પરિવારના બે લોકોને ભરખી ગયો અને હજુ પણ પરિવારના બે સભ્યો કોરોના સંક્રમિત છે.

મળતી માહિતી પ્રમાણે ગોપીપુરામાં મરદાનિયા વાડ ખાતે રહેતા 77 વર્ષીય લક્ષ્મીચંદ જરીવાલા ગેસ્ટ્રોની તકલીફમાં સપડાયા હતા. તેમના ફેમેલી ડોક્ટર દ્વારા સારવાર લેવા છતાં પણ તેમની તબિયતમાં કોઈ સુધાર આવ્યો નહોતો. તો બીજી તરફ લક્ષ્મીચંદના પત્ની ખુશમનબેન પણ બીમાર થયા હતા. જેમની પણ દવા તેમના ફેમેલી ડોક્ટરને ત્યાં ચાલી રહી હતી.

તેમના ફેમેલી ડોક્ટરને લક્ષ્મીચંદમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમને સીટીસ્કેન કરાવવા માટે કહ્યું હતું જેના બાદ લક્ષ્મીચંદનો પુત્ર મનીષ તેમને સીટી સ્કેન કરાવવા માટે કૈલાસનગરમાં આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સની અંદર આવેલા સીટી સ્કેન સેન્ટરમાં લઇ ગયો હતો.

સીટી સ્કેન સેન્ટરમાં જ લક્ષ્મીચંદ ઢળી પડ્યા હતા અને તેમને સારવાર માટે બાજુમાં આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.  ત્યારબાદ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે તેમનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો.

હજુ જરીવાલા પરિવાર લક્ષ્મીચંદના નિધનના દુઃખમાંથી બહાર આવ્યો નહોતો ત્યાં લક્ષ્મીચંદના પત્ની ખુશનમબેન તબિયત અચાનક બગડતા તેમને મહાવીર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.  પરંતુ 5 એપ્રિલના રોજ તેમનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું.

માત્ર ચાર જ દિવસમાં માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર જરીવાલા પરિવાર ઉપર જાણે દુઃખોનો ડુંગર તૂટી પડ્યો અને એટલું પણ ઓછું હતું ત્યાં લક્ષ્મીચંદના પૌત્ર અને પૌત્રી પણ કોરોનાની ચપેટમાં આવતા આ પરિવાર ઊંડા દુઃખમાં ડૂબી ગયો છે. હાલ તેમનો પૌત્ર અને પૌત્રી હોમ ક્વોરેન્ટાઇન થયા છે.

Niraj Patel