ખબર

સુરતમાં આ કારણે પત્નીએ ઝેર ગટગટાવ્યું, તો પતિએ પણ 7 વર્ષની દીકરીને લઈને તાપીમાં ઝંપલાવ્યું, હચમચાવી દેનારી ઘટના

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે તો કોઈ અન્ય કારણે જીવન ટૂંકાવી દેવાનો વિચાર કરતા હોય છે ત્યારે હાલ સુરતમાંથી એક ખુબ જ દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં પત્નીના આપઘાત કર્યા બાદ પતિએ પણ 7 વર્ષની દીકરી સાથે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જૂનાગઢના લીલવા ગામના વતની અને હાલ સુરતના સરથાણા વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર એવા સંજયભાઈ ભાણજીભાઇ તળાવિયાની પહેલી પત્ની જલ્પા સાથે કોઈ કારણને લઈને છૂટાછેડા થયા હતા. સંજય અને જલ્પાની એક 7 વર્ષની દીકરી જિયા પણ હતી જે સંજય પાસે જ રહેતી હતી.

પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ સંજયે બીજા લગ્ન રેખા નામની યુવતી સાથે કર્યા હતા. લગ્ન બાદ રેખા અને સંજય વચ્ચે જિયાને લઈને અવાર નવાર ઝઘડા થતા હતા જેના કારણે ગત બુધવારના રોજ રેખાએ અનાજમાં નાખવાની દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના બાદ પોલીસ ફરિયાદ થવાની બીક અને જેલમાં જવાની બીકે સંજય ગભરાઈ ગયો હતો.

આથી સંજય તેની 7 વર્ષની દીકરી જિયાને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક આપઘાત કરવા માટે ગયો હતો. ત્યાં સંજયે હૈયાફાટ રુદન કર્યા બાદ દીકરી સાથે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે નદીની અંદર માછીમારીનું કામ કરતા લોકોએ નદીમાં ડૂબી રહેલા સંજયને બચાવી લીધો હતો. અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

તો બીજી તરફ રેખાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, અને મોડી સાંજે ફાયર બ્રિગેડની ટીમને જિયાની લાશ નદીમાંથી મળી હતી. પોલીસ પુછપરછમાં સંજયે જણાવ્યું હતું કે રેખા જિયાને મારતી હોય તેમની વચ્ચે ઝઘડા થતા હતા. કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

સોર્સ