સુરત : પતિએ રચ્યો પત્નીની હત્યાનો ખેલ, ત્રણ વર્ષ પહેલા અલગ થઇ ગયેલી પત્નીને સાથે લાવ્યો અને આપ્યુ દર્દનાક મોત…જાણો વિગત

સુરતમાં પતિએ ખેલ્યો ખૂની ખેલ, બાથરૂમમાં પડી જવાથી પત્નીનું મોત થયુ હોવાનું જણાવ્યુ

સુરતમાં પરણિતાનું બાથરૂમમાં રહસ્યમય મોત, પતિ ત્રણ વર્ષથી પત્ની અલગ રહેતી પત્નીને લાવ્યો ઘરે અને ત્રણ દિવસમાં જ રચ્યો ખૂની ખેલ

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં કેટલાક તો ઘણા ચોંકાવનારા હોય છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી રૂંવાડા ઊભા કરી દે તેવો હત્યાનો મામલો સામે આવ્યો છે. છાપરાભાઠા વિસ્તારમાં એક 29 વર્ષીય મહિલાનું બાથરૂમમાં રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું. જો કે, મહિલાના મોતના પગલે પરિવારે પતિએ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ અને તપાસ હાથ ધરવામાં આવી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ રાજસ્થાનની અને સુરતના છાપરાભાઠા વિસ્તારમાં આવેલ અરિહંત પાર્ક સોસાયટીમાં રહેતી 29 વર્ષીય માયાબેન ઘનશ્યામભાઈ કુમાવતના પરિવારમાં પતિ અને એક દીકરો છે. માયાબેનના દસ વર્ષ પહેલા ઘનશ્યામભાઈ સાથે લગ્ન થયા હતા. આ લગ્નથી દંપતિને એક છ વર્ષનો દીકરો છે. ઘનશ્યામભાઈ કેકની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. જો કે, પતિ અને સાસરિયાંઓ સાથે અણબનાવને પગલે પરિણીતા છેલ્લા ત્રણેક વર્ષથી પિતા સાથે રાજસ્થાન ખાતે રહેતી હતી.

પરંતુ ઘટનાના ત્રણ દિવસ પહેલા જ પતિ તેની પત્નીને લઈને સુરત આવ્યો હતો. ત્યારે માયાબેનનું બાથરૂમમાં પડી જતાં મોત થયું હોવાનું પરણિતાના પરિવારને જણાવવામાં આવ્યુ અને પરણિતાના માતા-પિતાએ પોલીસને જાણ કરી. આ પછી મૃતદેહ સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને મૃતકના પરિવારે જણાવ્યુ કે ત્રણ દિવસ પહેલા જ પતિ સુરત લઈ આવ્યો હતો અને તેને મોત મળ્યું.

પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરતા અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પોસ્ટમોર્ટમ કરી મોતનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરણિતાના કાનની નીચેના ભાગે ઈજાના નિશાન હતા. બાથરૂમમાં પડી જવાથી ઇજા થાય એ સ્વાભાવિક છે પરંતુ કાનની નીચે જે ઇજા હતી તે ખૂબ જ ઊંડી હતી. આ પછી શંકાને આધારે અને પરિવારના આક્ષેપો તેમજ તબીબોએ આપેલી જાણકારી બાદ સુરતની અમરોલી પોલીસે પતિની પૂછપરછ હાથ ધરી અને તેણે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી.

પેનલ પોસ્ટમોર્ટમમાં ઝપાઝપી, ગળું દબાવવાનો પ્રયાસ અને બોથડ પદાર્થથી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. એવી માહિતી છે કે ઘનશ્યામ અને માયા વચ્ચે અણબનાવ રહેતો હતો, તેને માયા પસંદ નહોતી. જો કે, મૃતકના પરિવાર અનુસાર ઘનશ્યામનું અન્ય કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની પણ શંકા છે. હાલ તો ઘનશ્યામની સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

Shah Jina