ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સોફ્ટવેર એન્જિનિયરે 10.13 લાખની ઉચાપત કરવા બદલ ત્રણ મહિલા સહિત છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ આ મામલે પોલીસે વિરેન્દ્ર ઉર્ફે રામ કાકડિયા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે અને બાકીનાની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ અનુસાર, 9 જૂને વીરેન્દ્રએ પીડિતને વોટ્સએપ પર ફોન કર્યો અને કહ્યું કે તેણે વીઆઈપી રોડ પર નવું સ્પા ખોલ્યું છે અને તે નવી સુવિધાઓ સાથે તૈયાર છે. આ પછી પીડિત જ્યારે ત્યાં ગયો ત્યારે એક વ્યક્તિ તેને બે માળની રહેણાંક બિલ્ડિંગના એપાર્ટમેન્ટમાં લઈ ગયો અને અહીં પહેલેથી જ એક મહિલા તેની રાહ જોઈ રહી હતી.

જોકે, દરવાજો બંધ કર્યાના થોડા સમય પછી કોઇકે દરવાજો ખખડાવ્યો અને પીડિતે જ્યારે દરવાજો ખોલ્યો તો બે વ્યક્તિઓ ધસી આવ્યા અને પોલીસ તરીકે ઓળખ આપી દુર્વ્યવહાર કરવા લાગ્યા. આ સમયે એપાર્ટમેન્ટ પાસે અન્ય બે મહિલાઓ પણ બૂમાબૂમ કરી રહી હતી અને બંને શખ્સોએ પીડિત પર ગેરકાનૂની કૃત્યો કરવાનો આરોપ લગાવ્યો અને પૈસા માંગ્યા.

તેઓએ તેને યુએસએમાં તેના બેંક ખાતામાંથી રૂ. 10.13 લાખ ટ્રાન્સફર કરાવ્યા. આ પછી તેને ધમકી પણ આપી કે જો કોઇને આ ઘટનાની જાણ તે કરશે તો તેને જાનથી મારી નાખશે. અલથાણના પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે જણાવ્યું કે, પીડિત પહેલા યુએસએમાં હતો. તે એક સોફ્ટવેર પ્રોફેશનલ છે અને તે યુએસએમાં ડીલ કરે છે, તેથી ત્યાં તેનું બેંક ખાતું છે.