સુરતની નામચીન અતુલ બેકરીના માલિકની લક્ઝુરિયસ કારે એક પછી એક ત્રણથી ચાર મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, જુઓ વીડિયો

દેશમાં ઠેર ઠેર અકસ્માતની ઘણી ઘટનાઓ બનતી હોય છે ત્યાં હાલ સુરતમાંથી એક ખબર સામે આવી રહી છે જ્યાં સુરતની નામચીન અતુલ બેકરીના માલિકની લક્ઝુરિયસ કાર દ્વારા એક પછી એક એમ ત્રણથી ચાર મોપેડને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું મોત પણ થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં  આ અકસ્માત  સર્જાયો છે જેમાં સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા તેમની લક્ઝુરિયસ કારને બેફિકરાઈથી હંકારતા 3-4 મોપેડને અડફેટમાં લીધા હતા. તેઓ જે. એચ. અંબાણી હાઈસ્કૂલ પાસેથી પોતાની કાર લઈને પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં મોપેડ ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જયારે એક મહિલાનું મોત પણ નીપજ્યું હોવાની ખબર મળી રહી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને અતુલ વેકરિયાની અટકાયત કરી હતી.

તો આ બાબતે અતુલ વેકરીયાએ પોલીસને જણાવ્યું હતું કે તે ગાડી ચલાવી રહ્યા નહોતા, આ ગાડી તેમનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો અને તેને મોપેડને અડફેટે લીધા હતા, અકસ્માત બાદ ડ્રાઈવર ઘટના સ્થળેથી નાસી છૂટ્યો છે તેમ પણ તેમને જણાવ્યું હતું. પોલીસ આ મામલે પણ હવે તપાસ કરી રહી છે.

અતુલ વેકરિયાની આ કારમાંથી પોલીસને દારૂની પણ બોટલ મળી આવી છે. તેમના વિરુદ્ધ દારૂ પી અને અકસ્માત સર્જવાનો ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં બે લોકોની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.

Niraj Patel