સુરતમાં ડમ્પરની અડફેટે 14 વર્ષના કિશોરનું મોત- મામીનો જન્મદિન ઉજવવા ગયા ને મળ્યું મૃત્યુ…પરિવારનું હૈયાફાટ રુદન

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં સુરતના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં સુરત ભાજપના વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરના પુત્રનું ડમ્પર નીચે કચડાઈ જતા મોત નીપજ્યું. આ ઉપરાંત તેમની દીકરી રસ્તા પર પટકાઈ અને તેને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાઇ. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલિસ પણ પહોંચી હતી અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાને લઈને લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. હજુ તો બે દિવસ પહેલા જ પાલ હજીરા રોડ પર અકસ્માતની ગંભીર ઘટના બની હતી અને ફરી એક વાર એ જ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. સુરત ભાજપના વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરના બાળક 14 વર્ષીય ભવ્ય અને તેની બહેન મામીનો જન્મદિન ઉજવવા ગયા હતા અને તે બાદ જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બહેન મોપેડ ચલાવી રહી હતી અને ભવ્ય પાછળ બેસ્યો હતો.

આ સમયે એક ડમ્પર કાળ બનીને આવ્યુ અને મોપેડને અડફેટે લીધુ જેને કારણે બંને ભાઈ-બહેન રોડ પર પટકાયા અને આ દરમિયાન ભવ્ય પરથી ડમ્પર ફરી વળતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે તેની બહેનને ઇજા પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જો કે, ઘટના બાદ ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી અને પછી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો.

મૃતક ભવ્ય પટેલ ભરતભાઈ પટેલનો પુત્ર છે, જે વોર્ડ નંબર-9ના ભાજપના ખૂબ જ વર્ષોથી સિનિયર કાર્યકર્તા રહ્યા છે અને સમાજ સેવાના કાર્યો કરે છે. ભરતભાઈ વ્યવસાયે બિલ્ડર પણ છે અને જહાંગીરપુરા ખાતે આવેલ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના હાલ ટ્રસ્ટી છે. ઘટનાની જાણ પરિવારને થયા બાદ તેઓ દોડી આવ્યા હતા અને આ દરમિયાન તેમનું હૈયાફાટ રૂદન જોઇ વાતાવરણ પણ ગમગીન બન્યુ હતું.

Shah Jina