હવે ક્રુઝની મજા માણવા માટે નહિ જવું પડે ગોવા, ગુજરાતમાં આ જગ્યાએ શરૂ થઇ રહી છે ક્રુઝ સર્વિસ, જાણો કેટલો રહેશે ભાવ અને કેવી છે સુવિધા

ફરવાની બાબતમાં ગુજરાતીઓ ખુબ જ આગળ છે અને દુનિયાભરમાં ગુજરાતીઓ ફરવાનો આનંદ માણતા જોવા મળે છે. ત્યારે હવે ગુજરાતીઓ માટે એક મોટી ખુશખબરી આવી રહી છે. હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે.

આ ક્રૂઝ ઉપર તમને બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી.

વાત કરીએ આ ક્રૂઝના ભાડા વિશે તો સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે. આ સાથે જ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડગ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.

આ ક્રૂઝના સમય વિશેની જો વાત કરવામાં આવે તો ક્રૂઝ હજીરાથી 18ઃ30 કલાકે ઉપડી છઠ્ઠીએ 8ઃ30 કલાકે દીવ પહોંચશે. 7મીએ 12ઃ00 કલાકે ઉપડી 8મીએ હજીરા 2ઃ00 કલાકે પહોંચાડશે. 14 કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે 22ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6ઃ00 કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6ઃ00 કલાકે ફરી દીવ આવશે.

દિવાળીના સમયમાં મોટાભાગના લોકો બહાર ફરવા જવા માટેના પ્લાનિંગ કરતા હોય છે, ત્યારે આવા સમયમાં સુરતથી દીવ વચ્ચેની આ ક્રૂઝ સેવા શરૂ થવાના કારણે ઘણા પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ દિવાળીમાં તે ક્રૂઝની સફરનો પણ આનંદ માણી શકશે.

આ પહેલા ઘોઘા દહેજ વચ્ચે પણ રો રો ફેરી સેવા શરૂ હતી જેનો પણ ઘણા લોકોએ ઉપયોગ કર્યો છે, આ સર્વસિ શરૂ થયા બાદ કાઠિયાવાડ અને સુરત વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું હતું. ભાવનગરથી સુરત જનારા લોકોને રોડ દ્વારા ઘણો લાંબો પ્રવાસ ખેડવો પડતો હતો, ઉપરાંત પૈસાની સાથે સમય પણ વધુ જતો હતો, પરંતુ રો રો સુવિધા શરૂ થયા બાદ પ્રવાસીઓને પણ ઘણી રાહત થઇ હતી.

સુરતની જનતા પણ હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થતા ખુબ જ ખુશ જોવા મળી રહી છે. કારણ કે સુરતથી દીવ જવા માટે પણ ઘણું લાંબુ અંતર અને ઘણો વધુ સમય ખર્ચવો પડતો હતો, પરંતુ હવે હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થયા બાદ તેમને પણ અવાર નવાર દીવ પ્રવાસમાં જવાનો લ્હાવો મળી શકશે.

Niraj Patel