સુરતમાં ફરી મહેંકી માનવતા, બ્રેઈન ડેડ થયેલા વેપારીના અંગોથી મળ્યું 6 લોકોને નવું જીવન, પ્રેરણાસભર કિસ્સો

દેશની અંદર હવે અંગદાન પ્રત્યે લોકો જાગૃત બન્યા છે અને તેમાં પણ સુરત અંગદાનના મામલામાં ખુબ જ અગ્રેસર રહેતું જોવા મળે છે. સુરતમાંથી ઘણા કિસ્સાઓ છેલ્લા થોડા દિવસમાં જ જોવા મળ્યા છે ત્યારે ફરી એક અંગદાનનો પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વેપારીના બ્રેઈન ડેડ થવા ઉપર તેમના અંગોથી 6 લોકોને નવ જીવન મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની બીમારીથી સાજા થયેલા વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. ત્યારે  ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની પાંચમી ઘટના.

આ ઘટનામાં સુરતથી કલકત્તાનું ૧૬૨૫ કિ.મીનું અંતર ૧૯૦ મીનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાના રહેવાસી ૪૬ વર્ષીય વ્યક્તિમાં કલકત્તાની મેડીકા સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું જ્યારે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું.

સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના વિવિધ શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કલકત્તા હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

પૂજા રો-હાઉસ, જય અંબે મંદિરની પાસે, અડાજણ, સુરત ખાતે રહેતા ૫૩ વર્ષીય મનીષ પ્રવિણચંદ્ર શાહ કે જેઓ ભટારમાં મનીષ ટેક્ષ્ટાઇલસ નામથી એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતા હતા. મનીષભાઈએ ગુરુવાર, તા.૧૬ સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી. 17 સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.નિલય દેસાઈની સારવાર હેઠળ દાખલ કર્યા.

નિદાન માટે એન્જીયોગ્રાફી કરાવતા હૃદયની ડાબી બાજુની એક નળીમાં ૧૦૦% બ્લોકેજ હોવાનું નિદાન થતા ડૉ.ધવલ શાહ દ્વારા એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ICU ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઇ ગયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરો સર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

જેના બાદ રવિવાર, તા.19 સપ્ટેમ્બરના રોજ યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના ડોકટરોએ મનીષભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ અંગદાન જીવનદાન સંદેશો સમાજમાં ફેલાવવા અંગદાનનો નિર્ણય કરતા તેઓના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું જેનાથી છ વ્યક્તિઓને નવું જીવન મળ્યું.

Niraj Patel