ખબર પ્રસિદ્ધ

સુરત આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલી એક દીકરીની તેના પિતા સાથેની છેલ્લી વાતચીત, વાંચો અહેવાલ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ગત 24 મેના રોજ ભયાનક આગ લાગી હતી, જેને 20થી વધુ યુવાન જિંદગીનો ભરડો લીધો હતો. આ ઘટના બાદ આખું શહેર અને રાજ્યમાં લોકોમાં તંત્ર સામે રોશની લાગણી ફેલાઈ હતી તો જે યુવાનોના સપના તેમની સાથે આ ભયંકર આગમાં ખાક થઇ ગયા, તેમના પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આ ગોઝારી ઘટનામાં 16 વર્ષીય ક્રિષ્ના ભિકડીયા પણ મૃત્યુ પામી હતી. આ ઘટનામાં પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવ્યા બાદ પિતા સુરેશભાઈ ભિકડીયાએ જણાવ્યું હતું કે દીકરીએ મરતા પહેલા તેમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે એ પણ બારીમાંથી કૂદી જાય છે.

Image Source

સુરેશભાઈના જણાવ્યા અનુસાર, તેમની દીકરી ક્રિષ્નાએ તેમને કહ્યું હતું કે, “પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમારો દાદર લાકડાનો હતો… પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…” પોતાની દીકરીની મદદ માટે સુરેશભાઈ કઈં કહે એ પહેલા તો ફોન કટ થઈ ગયો. અને આ 16 વર્ષીય ક્રિષ્ના અને તેના પિતા વચ્ચે થયેલી છેલ્લી વાતચીત હતી.

Image Source

ક્રિષ્નાનો પરિવાર તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહે છે, તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા પણ તેમને પોતાની દીકરી ન મળી. તેમને પોતાની દીકરીને શોધવાની કોશિશ કરી પણ કઈ જ સમજાયું નહિ કે શું કરવું અને કોને પૂછવું. તેમને પોતાની દીકરીને ફોન કર્યો, જે કોઈ બીજા ભાઈએ ઉપાડ્યો.

પિતા સુરેશભાઈએ ભીની આંખે કાંપતા અવાજે પૂછ્યું, હું મારી દિકરી ક્રિષ્ના ભિકડીયાને શોધું છું, ગળગળા થઈ કહ્યું મેં એને જ ફોન લગાડ્યો છે. ફોન ઉપાડનાર વ્યક્તિએ કહ્યું કે તમે પહેલા સ્મિમેરમાં આવી જાવ, અત્યારે હું ત્યાં છું અને અહીં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે.

Image Source

સુરેશભાઈ ભગવાનને મનોમન પ્રાર્થના કરતા સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા, તેમને આશા હતી કે તેમની એકની એક દીકરી બચી ગઈ હશે, પણ તેમને તો ક્રિષ્ના મૃતદેહના ઢગલામાંથી મળી. આ દ્રશ્ય પણ કંપાવનારું હતું, જ્યા સંખ્યાબંધ વાલીઓ પોતાના વ્હાલસોયાઓને શોધતા હતા. તેઓ બચી ગયેલા કપડાઓ પરથી, કે હાથમાં બાંધેલા દોરા-ઢગલો અને ઘડિયાળો કે બીજી વસ્તુઓથી પોતાના બાળકોને શોધવાની કોશિશ કરી રહયા હતા.