સુરત : એક જ પરિવારની ત્રણ દીકરીઓ સંયમના માર્ગે, પહેલા બે દીકરીઓએ લીધી દીક્ષા અને હવે ત્રીજી પણ સંયમના માર્ગે

ઘણા શ્રાવક-શ્રાવિકાઓ સંસારની મોહમાયા ત્યજીને ઓધો હાથમાં લઈને સંયમી જીવન તરફ આગળ વધતા હોય છે. સુરતમાં એક સાથે 12 દીક્ષા યોજાવા જઈ રહી છે. આ દીક્ષામાં સુરતની મહેતા પરિવારની આજ્ઞા મહેતા પણ દીક્ષા લેવાની છે.

તમને જણાવી દઈએ કે, બે મોટી બહેનોએ અગાઉ દીક્ષા લીધા બાદ પરિવારની ત્રીજી દીકરી પણ દીક્ષા લઈને સંયમી માર્ગ અપનાવવા જઇ રહી છે.જ્યારે આચાર્ય ભગવંતોએ પણ મૂહુર્ત આપીને મુમુક્ષુને દીક્ષા માર્ગ પ્રશસ્ત કરવા અનુમોદના આપી છે ત્યારે 22મી મેના રોજ ભવ્ય દીક્ષા સમારંભમાં 12 મુમુક્ષુઓ સાથે આજ્ઞા મહેતા પણ દીક્ષા લઈને જૈન સાધુ-સાધ્વી મહારાજ સાહેબના માર્ગે આગળ વધશે.

આજ્ઞાએ જણાવ્યું કે, મોટી બહેનોએ દીક્ષા લીધી ત્યારે ભાવ નહોતો. પરંતુ તેમની સાથે રહ્યા બાદ મને ભાવ જાગ્યો હતો. હું દુઃખથી કે સુખ મેળવવા દીક્ષાના માર્ગે આગળ નથી વધી રહી પરંતુ મને આ બધુ જોઈને ભાવ થઈ રહ્યો છે. મારા પરિવારના સંસ્કાર જ એવા છે. મને લાગે છે કે સંસ્કાર છોડવો ન પડે છૂટી જ જાય છે. કોઈ જીવને મારા તરફથી દુઃખ ન મળે તે માટે દીક્ષા લઈ રહી છુ. પૂજય જીનપ્રિયજી મહારાજે મારામાં ભાવ જગાવ્યા છે મારે સેવન સ્ટારમાં જવાની જરૂર નહી પડે મારૂં જીવન જ સેવન સ્ટાર બની જવાનું છે.

આજ્ઞાના પિતા અને વિપુલ રસિકલાલ મહેતાએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિના મૂળ આદર્શ ત્યાગીને ભોગવવાનો છે. ભગવાને રામ પણ અને કૃષ્ણએ પણ એ જ કર્યું હતું. આપણી સંસ્કૃતિમાં ત્યાગનું મહત્વ છે. અમારી ત્રણેય દીકરીઓને શ્રેષ્ઠ જીવન શૈલી આપવી હતી. પરંતુ તેમણે આ રસ્તો અપનાવ્યો છે. દીક્ષા લેનાર પણ ખુશ છે તો અમે આ દીકરીને પણ એ જ માર્ગે મોકલવા જઈ રહ્યા છીએ.

આજ્ઞાની માતા અને મંજૂલાબેન મહેતાએ કહ્યું કે, મા-બાપને છોકરાઓ વ્હાલ જ હોય છે. મારા સંતાનોએ એમનો આવતો ભવ સુધારવો છે માટે અમે રજા આપી રહ્યા છીએ. અમારા માટે રજા આપવી સહેલી બાબત નથી પરંતુ સંતાનોના આવતા ભવને ધ્યાનમાં રાખીને રજા આપી છે.

સૌજન્ય આભાર : ન્યુઝ 18 ગુજરાતી

Shah Jina