કોરોના કાળ બાદ ઘન લોકોની નોકરી ધંધા છૂટી ગયા છે અને આજના સમયમાં વધતી જતી મોંઘવારીના કારણે લોકોના ખર્ચ પણ વધવા લાગ્યા છે, સામે એટલી આવક પણ નથી મળતી જેના કારણે લોકો પૈસા કમાવવા માટે ગમે તેવા કામ પણ કરવા મજબુર બન્યા છે, આ દરમિયાન ઘણા લોકો લોનના ચક્કરમાં પણ ફસાઈ ગયા છે. (તમામ તસવીરો: ન્યુઝ 18/ગુજરાતી)
ત્યારે ઓનલાઇન પણ ઘણી એવી એપ્લિકેશન આવી છે જે લોન આપે છે અને પછી ઓછા હપ્તા લઈને લોન પૂર્ણ કરવાનું કહે છે, પરંતુ આવામાં ઘણી છેતરપિંડી પણ થતી હોય છે, લોન ચૂકવી દેવા છતાં પણ વધુ પૈસા મંગાવા માટે દબાણ કરવામાં આવે છે અને આ લોકો તમારા કોન્ટેક્ટમાં રહેલા લોકોને પણ તમારી ખરાબ છાપ બતાવવામાં લાગી જાય છે.
ત્યારે હાલ એવી જ એક ઘટનાનો ભોગ બનેલા સુરતના DGVCLના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લીધી, જેના બાદ તેને તાત્કાલિક સુરતનીસ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. યુવકે મોબાઈલ એપ્લિકેશન મારફતે લોન લીધી હતી જેના બાદ તે સાઇબર બુલિંગનો શિકાર બન્યો હતો.
આ બાબતે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા જલારામનગરમાં રહેતા અને DGVCLમાં લાઇન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલા 30 વર્ષીય વિવેક સુરેશ શર્માએ ગત 9 એપ્રિલના રોજ મોડી રાત્રે ઝરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજા દિવસે સવારે તેને ઉલ્ટીઓ થવાના કારણે પરિવારને જાણ થઇ હતી. જેના બાદ તેની બહેન તેને લઈને હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વિવેક તેના પરિવારનો એકનો એક દીકરો હતો, દીકરાના નિધન બાદ પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે. આ મામલામાં મૃતકની બહેન દ્વારા જણાવવામાં આવ્યું કે વિવેકે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન લોન લીધી હતી.
મૃતકની બહેન દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે વિવેકે લોનના નામ ઉપર લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પણ તેને ઉઘરાણી માટે સતત ધમકીઓ મળી રહી હતી. વિવેકના મોબાઈલમાં જે નંબર સેવ હતા તેના ઉપર લોન કંપની સંબંધીઓને મેસેજ મોકલી અને વિવેક રેપિસ્ટ હોવાનું જણાવી રહી હતી. જેના કારણે વિવેક માનસિક તણાવમાં આવી ગયો હતો. આ માનસિક તાણ અને સાઇબર ફ્રોડ ગેંગના ત્રાસથી કંટાળીને તેને આપઘાત કરી લીધો.