સુરતમાં લિવ ઈનમાં રહેતી મહિલાની કોણે ગળું ચીરી હત્યા કરી નાખી? થઇ ગયો સૌથી મોટો ખુલાસો….

સુરતમાંથી હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ધોળા દિવસે કાપોદ્રામાં રહેતી મહિલાની અજાણ્યા વ્યક્તિ દ્વારા ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી. આ સમયે તે મહિલાનું એક વર્ષનું બાળક ત્યાં જ તેના લોહીના ખાબોચિયામાંથી રમતુ મળી આવ્યુ હતુ. ત્યારે આ બાબતે પોલિસે પોતાની તપાસ શરૂ કરી હતી. હાલ આ મામલે પોલિસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કાપોદ્રામાં ગૌતમ પાર્કમાં પ્રકાશ રણછોડ પટેલ રહે છે અને તેમની પત્ની આશા લગભગ ત્રણ વર્ષથી વધુ સમયથી અલગ છે. તેમના છૂટાછેડાનો કેસ પણ હજી ચાલી રહ્યો છે. ત્યાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રકાશભાઇ સ્નેહલતાબેન સાથે ગૌતમ પાર્કમાં રહે છે. તેઓ બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

સ્નેહલતાબેન મૂળ નેપાળી છે અને તેમને એક વર્ષની દીકરી પણ છે. પ્રકાશભાઇ રોજ સવારે ટિફિન લઈને ઘરેથી દુકાન માટે નીકળે છે. તેઓ ઝેરોક્ષ મશીનના રીપોરિંગ અને સ્પેરપાર્ટનું કામ કરે છે. તેઓ રોજ બપોરે સ્નેહલતા સાથે વીડિયો કોલ પર વાત કરે છે. ત્યારે મંગળવારના રોજ સ્નેહલતાનો ફોન ન આવતા પ્રકાશે સ્નેહલતાને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ બતાવતો હતો, જેના કારણે પ્રકાશે તેના પડોશીને ફોન કરીને સ્નેહલતાના ઘરે જઇ તપાસ કરવા માટે કહ્યુ હતુ. ત્યારે તેઓ ત્યાં જતા જ ચોંકી ગયા હતા. સ્નેહલતા લોહીના ખાબોચિયામાં પડેલી હતી.

આ વાતની તેમણે પ્રકાશને જાણ કરી અને તે બાદ પ્રકાશ તત્કાલિક ઘરે આવ્યો હતો. પોલીસે તપાસ કરતા લિવ ઈનમાં રહેતો પ્રકાશ શંકાના દાયરામાં આવ્યો અને તેણે જ હત્યા કરી જુઠ્ઠાણું ફેલાવ્યું હોવાનું સામે આવ્યું. પોલીસે સ્નેહલતાની હત્યામાં તેની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ડીસીપી અનુસાર લિવ ઇનમાં રહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાનું કબૂલ્યુ છે. હાલ તો પોલિસ એ તપાસ કરી રહી છે કે તેણે હત્યા કરી હથિયાર કયાં ફેક્યુ છે. મહિલા મૂળ નેપાળી છે પરંતુ તે જયારે મુંબઇ રહેતી હતી ત્યારે તે પ્રકાશના સંપર્કમાં આવી હતી અને તે બાદ છેલ્લા ત્રણેક વર્ષથી તે અને આરોપી પતિ પત્નીની જેમ સાથે રહેતા હતા.

સ્નેહલતાએ પ્રકાશને કહ્યુ હતુ કે તે જે પણ સંપત્તિ ખરીદે તે તેના નામ પર ખરીદવાની. આ દરમિયાન જમીનના રૂપિયા આવ્યા તેમાંથી મુંબઇમાં સ્નેહલતાના નામ પર ઘર પણ લીધુ હતુ. હાલમાં જે ઘરમાં તે રહેતી હતી તે સુરતમાં હતુ અને તે પણ સ્નેહલતાના નામ પર હતુ. જો કે, તેની માંગણીઓ વધતા પ્રકાશે તેની હત્યા કરી હતી અને આ વાત તેણે કબૂલી પણ હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલા મૃતક મુંબઈમાં આવેલ જય અંબે નામની કંપનીમાં કામ કરતી હતી અને આ કંપની ઝેરોક્ષ માટેના પ્રિન્ટિંગ કાગળો સપ્લાય કરવાનું કામ કરે છે, જેના કારણે પ્રકાશ આ કંપનીને ઓર્ડર આપતા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

બંને વચ્ચે પહેલા મિત્રતા થઇ હતી અને તે બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પ્રકાશે ગામમાં જમીન વેચી દીધી હતી અને તે બાદ જે 45 લાખ રૂપિયા આવ્યા તેમાંથી સ્નેહલતા માટે 11 લાખનું મકાન મુંબઈમાં અને 25 લાખનું મકાન સુરતમાં લીધુ હતું. જો કે, તે હજુ પણ તમામ મિલકત તેના નામે કરવા માગણી કરતી હતી. છેલ્લા બે મહિનાથી બંને વચ્ચે ઘણા ઝઘડા પણ થયા હતા અને આ બાબતને લઇને સ્નેહલતા મુંબઈ ભાગી જવાની ધમકી પણ આપતી હતી.

જેથી પ્રકાશને થયું હતું કે તેની પહેલી પત્ની પણ ના રહી અને હવે બીજી પત્ની પણ ભાગી જવાની ધમકી આપે છે. જેથી આખરે પ્રકાશે તેની હત્યા કરી નાખી હતી. જયારે સવારે 9:30 વાગ્યાના અરસામાં સ્નેહલતા ઘરમાં મંદિર સામે બેસી અને ભગવાનની પૂજા કરી રહી હતી ત્યારે પ્રકાશે પાછળથી ચપ્પુ લઈને  સ્નેહલતાના ગળાના ભાગે 2-3 ઘા મારી તેની હત્યા કરી નાખી હતી અને તે ચપ્પુ તે તેની સાથે લઈને ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે ગતરોજ મોડીરાત્રે આ ચપ્પુ ખાંડબજાર ગરનાળા પાસેથી જપ્ત કર્યું છે.

Shah Jina