ખબર

પિતાનું નિધન થયું હોવાની ખબર મળવા છતાં સુરતના આ ડોકટરે રડતા રડતા ચાર ગંભીર દર્દીઓની સારવાર કરીને જીવ બચાવ્યો

કોરોના મહામારીમાં સૌથી મોટી પરીક્ષા જો કોઈની થઇ રહી હોય તો તે છે ડોક્ટર્સની. તેઓ સતત ખડા પગે ઉભા રહીને કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. આ સમય તેમના માટે એટલો ખરાબ છે કે તેમના પરિવારમાં યોજાઈ રહેલા શુભ અશુભ પ્રસંગમાં પણ તે હાજરી નથી આપી શકતા.

હાલ આવા જ એક ડોકટરે દિલ જીતી લીધું છે. જેમના પિતાનું નિધન થયું હોવાની ખબર મળવા છતાં પણ તે પોતાની ફરજ ઉપર અડગ રહ્યા. અને સતત 10 કલાક સુધી રડટ્ટી આંખોએ ચાર ક્રિટિકલ દર્દીઓનો જીવ બચાવ્યો હતો.

સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં 10 કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી. આઇસીયુ વોર્ડમાં દાખલ પિતાની સારવાર પણ ડો.ધર્મેશ જ કરી રહ્યા હતા. ફરજ પૂરી કર્યા બાદ તેમણે પિતાની અંતિમ વિધિ કરી હતી.

આ બાબતે દિવ્ય ભાસ્કર મીડિયા દ્વારા મળેલી માહિતી અનુસાર ડો. ધર્મેશ ચૌહાણે જણાવ્યું હતું કે, “સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં છેલ્લાં ત્રણ વર્ષથી સેવા આપી રહ્યો છું. મારા પિતાજી છગનભાઈ ચૌહાણ 58 વર્ષના હતા, તેમને કોરોના થતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતાં. મારા ઘરે મારા ભાઈ, તેમનાં પત્ની અને તેમનો દીકરો પણ કોરોનાગ્રસ્ત થયાં હતાં. તમામ દર્દીઓની સાથે સાથે પિતાજીની સારવાર કરી રહ્યો હતો. આ ઉપરાંત મારા જે સંબંધીઓ બીમાર થતા હતા તેમના પણ મારી પર ફોન આવતા હતા. 21મી એપ્રિલના રોજ રાત્રે 10:30 વાગ્યે પિતાજીનું અવસાન થયું.”

બધુંમાં તેમને જણાવ્યું હતું કે, “એ સમયે મેં વિચાર્યું હતું કે હું પિતાજીનો જીવ ન બચાવી શક્યો, પરંતુ અન્ય દર્દીઓની તો મારે સારવાર કરવી જ જોઈએ, જેથી મેં કંઈપણ વિચાર કર્યા વગર દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યુ. એ સમયે ચાર દર્દીની તબિયત એકદમ ખરાબ હતી. રડતાં રડતાં જ મેં દર્દીઓની સારવાર શરૂ કરી હતી. સવાર આઠ વાગ્યા સુધી સારવાર કર્યા બાદ પિતાજીની અંતિમવિધિ કરી હતી. આજે એ ચારેય દર્દીની હાલત સ્ટેબલ છે અને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.”  (સાભાર: દિવ્ય ભાસ્કર)