ખબર

સુરતના યુવકને સોશિયલ મીડિયા દ્વારા કપડાં ઉતરાવીને ફસાવીને આપઘાત કરવા મજબુર કરનાર યુવતી નહિ પરંતુ

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હની ટ્રેપના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે, જેમાં ઘણી યુવતીઓ એક ગેંગમાં જોડાઈને લોકો સાથે ઓનલાઇન મિત્રતા કરે છે અને તેમની સાથે વીડિયો ચેટની અંદર બીભત્સ વાતો પણ કરે છે, આ બધું તે મોબાઈલમાં સેવ કરી લેતા હોય છે અને પછીથી જે તે વ્યક્તિને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી અને હાજારો લાખો રૂપિયા પણ પડાવી લેતી હોય છે.

આવી જ એક ઘટના બે દિવસ પહેલા સુરતમાંથી સામે આવી હતી. સુરતમાં રાંદેરના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે એક યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી બ્લેકમેઇલ કર્યો હતો. જેના બાદ તેની પાસેથી 20 હજાર રૂપિયા ખંખેર્યા બાદ પણ બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યો હતો. જેના કારણે માનસિક તણાવમાં આવીને યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

મૂળ ઓલપાડનો અને ઉગત-ભેંસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકના આપઘાત કર્યા બાદ તેના પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. યુવકના પરિવારજનોને જાણવા મળ્યું હતું કે યુવક સાથે એક યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો.

યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ગળે ટુંપો ખાધો હતો. વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માગણી ચાલુ જ રાખી હતી.

સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓક્ટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી. છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલિટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવકના આપઘાત મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બે લોકોને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

ત્યારે હવે આ મામલામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. આ પ્રકરણમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી યુવકને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હરિયાણાના ફરીદાબાદ ખાતેથી 21 વર્ષીય આરોપી સાદાબ ખાન સાહબ જાનને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી બીટેકનો વિદ્યાર્થી છે. સરળ રીતે પૈસા કમાવવાના હેતુથી તે આવું કરતો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી આવા કૃત્ય કરી લોકોને ફસાવી રહ્યો હતો. તેની સાથે અન્ય કેટલા લોકો આ રીતે સામેલ છે, કેટલાક લોકોને આ રીતે પોતાના જાળમાં ફસાવ્યા છે વગેરે દિશામાં તેની પૂછપરછ શરૂ કરાઇ છે.

આરોપી સોશિયલ મીડિયા ઉપર મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવી ત્યારબાદ અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેઓ સાથે બીભત્સ વાતચીત કરી વીડિયો કોલ કરી બીભત્સ અંગો બતાવવા ઉત્તેજિત કરી તે વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતો હતો  અને ત્યારબાદ લોકોને તે વીડિયો બતાવીને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતો હતો