ખબર

સુરતના બિલ્ડરની ગુંડાગર્દી ! મહિલાને અપશબ્દો બોલીને લોખંડના સળિયાથી ફટકારી, જુઓ વીડિયો

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચાર, દુષ્કર્મ અને તેમને માર મારવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે સુરતમાંથી એક બિલ્ડર દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સારોલી વિસ્તારમાં એક બિલ્ડરે મહિલાને અપશબ્દો બોલી માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સારોલી વિસ્તારમાં આવેલી અયોધ્યા ટેક્સટાઈલ માર્કેટમાં રશ્મીબેન ધામેલિયાએ એક દુકાન ખરીદી હતી અને તેના ભાડા અંગે તેઓ પતિ સાથે બિલ્ડરની પાસે રજૂઆત કરવા માટે ગયા હતા.

ત્યારે બિલ્ડર ઉશ્કેરાઈ ગયો અને મહિલાને અપશબ્દો બોલી ઢોર માર મારવા લાગ્યા. બિલ્ડરને તો જાણે કોઈનો ડર ન હોય તેમ તે મહિલા પર લોખંડના રોડથી હુમલો કરી રહ્યો હતો. સુરતના સારોલીમાં અનેક ટેક્સટાઇલ માર્કેટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને તેમાં અયોધ્યા ટેક્સટાઇલ મોલ પ્રોજેક્ટને લઈને છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એક મહિલા કે જેણે અહીં દુકાન ખરીદી હતી તે દુકાનનો કબજો ક્યારે મળશે તેની રજૂઆત કરવા બિલ્ડર પાસે ગઇ હતી

અને આ દરમિયાન બિલ્ડર અને મહિલા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળી રહ્યા છે. બિલ્ડરને જાણે કોઈનો જ ડર ન હોય તે રીતે રૂપિયા 35 લાખ લઈ લીધા બાદ પણ મહિલા ઉપર લોખંડના રોડથી હુમલો કરતો દેખાઈ રહ્યો છે. આ બાબતે તેના વિરૂદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીડિત મહિલાએ જણાવ્યું કે, તેઓએ લોન કરાવીને અયોધ્યા ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન લીધી હતી અને તે સમયે બિલ્ડરે કહ્યું હતું કે તમે પૂરા પૈસા ચૂકવી દો,

જ્યાં સુધી દુકાન બની ન જાય ત્યાં સુધી ભાડા તરીકે તમને દર મહિને 30 હજાર રૂપિયા આપવામાં આવશે. જો કે, બિલ્ડરે થોડા મહિના સુધી ભાડુ નિયમિત આપ્યું પરંતુ તે બાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને તેને લઇને જ તે રૂબરૂ મળવા ગયા હતા. જો કે, આ દરમિયાન તે ઉશ્કેરાઈ ગયો અને તેણે લોખંડના સળિયા વડે માર માર્યો.