સુરતમાં પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પતિએ પણ ટ્રેન નીચે મૂક્યુ પડતુ, બે બાળકો બન્યા નિરાધાર

ગુજરાતમાં ઘણીવાર હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા ઘણા સમયથી હત્યાના કેસોમાં અને આત્મહત્યાના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરતમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કરી અને તે બાદ તેણે પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલિસે ગુનો દાખલ કરી હાલ તપાસ શરૂ કરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરતના સચિન વિસ્તારમાં રહેતા પરિવારની એક મહિલા ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, પરિવારમાં પતિ, પત્ની અને બે બાળકો હતો. પત્નીનું નામ કંચન સામે આવ્યુ છે, જયારે પતિનું નામ નરસિંહ સામે આવ્યુ છે.

પત્ની કંચન ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવતાં સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. જે બાદ તપાસમાં સામે આવ્યુ કે, મહિલાની હત્યા થઈ છે. પત્નીની હત્યા થઈ હોવાથી પોલીસે મહિલાના પતિની શોધખોળ હાથ ધરી. આ જ દરમિયાન પતિ નરસિંહે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે પતિ અને પત્નીના ગયા બાદ તેમના બંને બાળકો નિરાધાર બની ગયા છે.

પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો હોવાની વિગત સામે આવતા પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિકો અનુસાર પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. ત્યારે ગઇકાલે રાત્રે ઉશ્કેરાઇ પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ચર્ચા છે. પોલીસે આ બંને મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ વધુ તપાસ શરૂ કરી છે.

Shah Jina