સુરતમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત રાત્રિએ ત્રણ બાળકોના આઈસ્ક્રીમ ખાધા બાદ મોત થયા છે. એક રીપોર્ટ અનુસાર, સચિન પાલી ગામે એકસાથે 4 બાળકોએ આઈસ્ક્રીમ ખાધો હતો જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા અને હાલ એક બાળકની હાલત ગંભીર છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીઓએ શુક્રવારે આઈસક્રીમ ખાધો હતો અને આ પછી તાપણું કર્યુ હતુ. જો કે તબિયત લથડતા ત્રણ બાળકીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. એક સાથે ત્રણ બાળકીઓના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતુ. હવે એ સવાલ છે કે ત્રણેય બાળકીઓના મોત આઈસક્રીમના કારણે થયા કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાના કારણે થયા…
હવે પીએમ રીપોર્ટ આવ્યા પછી જ ત્રણેય બાળકીઓના મોતનું ચોક્કસ કારણ સામે આવશે. ઘટના વિગતવાર જણાવીએ તો, સુરતના પાલી ગામમાં રહેતી ત્રણેય બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું અને આ પછી ત્રણેયની તબિયત લથડી. મૃતક બાળકીઓમાં દુર્ગા કુમારી મહંતો, 12 વર્ષ અને અમિતા મહંતો, 14 વર્ષ તેમજ અનિતા કુમારી મહંતો, 8 વર્ષનો સમાવેશ થાય છે. પરિવારજનો એવું કહી રહ્યા છે કે ઘરની નજીકમાં આવેલી દુકાન પરથી પાંચ જેટલી બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો.
રાત્રીના પાંચ જેટલી બાળકી તાપણું કરી રહી હતી અને અચાનક ત્રણ બાળકીઓને ઉલ્ટી થવા લાગી અને પછી બેભાન થઇ ગઇ. જેથી તાત્કાલિક ત્રણેયને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જો કે બેના ખાનગી હોસ્પિટલમાં અને એકનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું. મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે. હાલમાં ત્રણેય બાળકીઓના મોતના પગલે પરિવારજનોમાં રોષ અને શોકનો માહોલ છે.