નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં બનેલ સામુહિક દુષ્કર્મની ઘટનાએ દહેશત જગાવી દીધી, સુરતના માંગરોળમાં બનેલ સામુહિક દુષ્કર્મની ઘટનાના ગણતરીની કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. એક બીજા ધર્મના ઈસમે સગીરાને વારંવાર પીંખી ગર્ભવતી બનાવી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાઇ.
જો કે થોડીક જ ક્ષણોમાં તેને કસુવાવડ થઈ ગઈ હતી. સુરતના માંગરોળના બોરસરા ગામે એક 17 વર્ષિય સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી જેની તપાસ હજુ ચાલે છે. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે. ત્યારે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
માંડવીના એક ગામની શ્રમજીવી પરિવારની 14 વર્ષિય દીકરીને ફોસલાવી એક નરાધમે રિક્ષામાં બેસાડી વર્ષ 2023ના ઓગસ્ટ માસથી 2024ના માર્ચ માસ સુધીના સમય ગાળામાં અવારનવાર સૂમસામ જગ્યા પર જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું અને તેને કારણે સગીરા ગર્ભવતી બની હતી. જો કે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં પરિવાર તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયો અને તેની થોડીક ક્ષણોમાં કસુવાવડ થઈ ગઈ.
આ બાબતે સગીરાને પૂછતાં તેણે માંગરોળના ભાટકોલ ગામના વ્યક્તિએ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું. ત્યારે માંડવી પોલીસે પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધ્યો અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં.