ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના ઘણા બધા મામલો સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકોને ઓનલાઇન પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે વીડિયો કોલમાં અશ્લીલ વાત કરવાના નામ પર તેમના કપડાં ઉતરાવે છે અને પછી વીડિયોને રેકોર્ડ કરીને તે વ્યક્તિને બ્લેકમેઇલ કરી હજારો લાખો રૂપિયા પણ પડાવવામાં આવતા હોય છે. તો ઘણા લોકો સમાજમાં બદનામીના ડરના કારણે પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે.
ત્યારે હાલ આવા જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરી રહેલા મિતુલ બોરા નામના કિશોર હનીટ્રેપનો શિકાર બન્યો હતો. જેના કારણે તે શાંત બેસી રહેતો અને ઉદાસ રહેવા લાગ્યો હતો. જેના બાદ તેને ગત 1 માર્ચના રોજ ધાબા પરથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ તરત તેના માતા પિતા પણ નીચે દોડી આવ્યા હતા.
તે બાદ તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને માથામાં ગંભીર ઈજાઓ થતા તેની સર્જરી કરવામાં આવી હતી, સર્જરી બાદ પણ 3 માર્ચના રોજ તેનું મોત થયું હતું. જ્યારે મિતુલે ધાબા પરથી છલાંગ લગાવી ત્યારે તેની માતા- પિતા સાથે બેઠા હતા. તેમને દીકરાને બોલાવવા માટે બૂમ પાડી અને તરત જ એજ સમયે તેમની આંખો સામે તેને ધાબા પરથી કૂદકો મારી દીધો હતો.
મિતુલનો મોબાઈલ ચેક કરતા તેમાંથી ફોન પે દ્વારા રૂપિયા 9600નું ટ્રાન્જેક્શન અને અલગ અલગ 4 નંબરો પરથી સતત કોલ પણ આવી રહ્યા હતા. જેમાં તેનો વીડિયો વાયરલ કરવાની તેને સતત ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે તપાસ કરી હતી અને મિતુલના મોબાઇલમાંથી મળી આવેલા 4 નંબર પર કોલ પણ કર્યો હતો. જે ઉઠાવ્યો નહોતો.
પોલીસની તપાસ મુજબ આ ચારેય નંબર બિહારના પટના નજીકના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે વિદ્યાર્થીનો મોબાઈલ FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે અને આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસની એક ટીમ બિહાર પણ જશે. વિદ્યાર્થીએ તેના જ માતા પિતા પાસેથી ઉછીના પૈસા લઈને બ્લેકમેઇલ કરનારના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.