ખબર

સુરતમાં વધુ એક હત્યા, એક તરફી પ્રેમમાં પાગલ યુવક જેના ઘરે જમતો હતો એના જ ઘરમાં કરી નાખી માસૂમની હત્યા

ગુજરાતમાંથી હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, તેમાં પણ સુરતમાંથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરતની માસુમ ગ્રીષ્મા વેકરીયાની હત્યાનો મામલો ખુબ જ ચર્ચામાં છે ત્યારે હવે વધુ એક હત્યાની ખબર સામે આવી રહી છે, જેમાં પ્રેમ પ્રકરણના કારણે એક માસુમનો ભોગ લેવામાં આવ્યો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં એક પરણિત મહિલાના પ્રેમમાં પડેલા યુવકે મહિલાના માસુમ 11 વર્ષના બાળકની હત્યા કરી નાખી. પહેલા બાળકનું શાળાએથી અપહરણ કરવામાં આવ્યું અને પછી ઠંડા કલેજે તેની હત્યા કરીને આરોપી વતન ભાગવાની ફિરાકમાં હતો ત્યારે જ સુરત રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

આ મામલે એ પણ જાણવા મળી રહ્યું છે કે આરોપી મહિલાના પ્રેમમાં હતા, અને મહિલાએ સંબંધ રાખવાની ના પાડી દેતા મહિલાના માસુમ બાળકની જ હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. આ યુવકનું નામ સોરાબુદ્દીન હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સોરાબુદ્દીન મહિલાના ઘરની પાડોશમાં જ રહેતો હતો. તે મહિલાના ઘરે જ 2 હજાર રૂપિયા આપીને જમતો પણ હતો. તે પરણિત મહિલાને પોતાની સાથે ભાગી જવા માટે દબાણ પણ કરતો હતો, પરંતુ મહિલા તેના વશમાં થઇ નહોતી. આ ઉપરાંત યુવક મહિલાને એવી પણ ધમકી આપતો હતો કે તે તેની સાથે નહિ ભાગી જાય તો તેના બાળકને તે જાનથી મારી નાખશે.

પરંતુ આ વાત મહિલાએ કોઈને કરી નહોતી અને તેનું પરિણામ પણ છેલ્લે ભયાનક આવ્યું. આરોપીએ કિશોરનું શાળામાંથી અપહરણ કર્યું અને પછી રૂમ ઉપર લઇ ગયો હતો. જેના બાદ તેના માથામાં બોથડ પદાર્થ મારી અને તેની હત્યા કરી, લાશ રૂમમાં જ રાખીને વતન જવા નીકળી ગયો હતો. પરંતુ તે ભાગવામાં સફળ થાય એ પહેલા જ સુરત પોલીસે તેને રેલવે સ્ટેશન ઉપરથી ઝડપી પાડ્યો હતો અને આરોપીએ પોતાનો ગુન્હો કબૂલી પણ લીધો હતો.

માસુમ બાળકની લાશ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. જેના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતક કિશોરની લાશને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી, આ ઉપરાંત જે યુવકના રૂમમાંથી લાશ મળી હતી તે ગયાબ હોવાના કારણે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી જેના બાદ તે સુરત રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો હતો.