સુરત : 10 વર્ષના બાળકનું અપહરણ કરી ઉતાર્યો મોતને ઘાટ, કારણ પ્રેમસંબંધ હોવાની શક્યતા

ગુજરાતમાં છાસવારે હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણી હત્યા અંગત અદાવતમાં કરવામાં આવતી હોય છે, તો ઘણી હત્યા પ્રેમસંબંધને કારણે પણ કરવામાં આવતી હોય છે. સુરત, વડોદરા અને અમદાવાદ તેમજ રાજકોટમાંથી અનેકવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. હાલમાં સુરતમાંથી એક એવો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખૂબ જ ચોંકાવનારો છે. ઘટનામાં એવું છે કે, એક 10 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. આ ઘટના બાદ પોલિસ પણ દોડતી થઇ ગઇ હતી. આ ઘટના સામે આવતા જ ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતમાં સચિન વિસ્તારના પાલી ગામમાં એક 10 વર્ષના માસૂમ બાળકનો અપહરણ બાદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે,આ હત્યા પાછળ બાળકની માતા સાથેના પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શક્યતાઓને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકની નિર્દયતાથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

પોલિસે હત્યારાને પકડવા ચારેય દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલિસ અનુસાર મૃતક 10 વર્ષિય બાળક પાલી ગામ સચિનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બાળકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તેના ગળા અને માથા પર ઘાના નિશાન મળી આવ્યા હતા એટલું જ નહિ, ગળું દબાવ્યુ હોવાના નિશાન પણ મળી આવ્યા હતા. ઘટના સચિન પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

જણાવી દઇએ કે, શાહબુદ્દીન નામના પ્રેમીએ પરિણીતાના પ્રેમને પામવા માટે તેના જ માસૂમ 10 વર્ષિય બાળકનું અપહરણ કરી તેની હત્યા નિપજાવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. હાલ તો બાળકની લાશ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Shah Jina