સુરજ ભુવાજીએ ધારાની હત્યા કરી, ફિલ્મને ટક્કર મારે એવો કિસ્સો છે, પરંતુ પોલીસે આખરે કરી નાખ્યો પર્દાફાશ, જુઓ
Suraj bhuvaji killed dhara : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણી હત્યા અંગત અદાવતમાં કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધોમાં કે અન્ય કોઈ કારણોના લીધે પણ કરી દેવામાં આવતી હોય છે. કેટલાય દુષ્કર્મના કિસ્સાઓને છુપાવવા માટે કોઈ યુવતી, મહિલા કે સગીરાની હત્યા કરી દેવામાં આવતી હોય છે અને જયારે તેનો પર્દાફાશ થાય છે ત્યારે રૂંવાડા ઉભા કરી દેનારી હકીકત સામે આવે છે.
ત્યારે હાલ અમદાવાદમાંથી ફિલ્મોને પણ ટક્કર મારે એવો એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખથી પણ વધારે ફોલોઅર્સ ધરાવતા અને ભુવાજી તરીકે જાણીતું નામ બની ગયેલા સૂરજ ભુવાજીએ પોતાની પ્રેમિકાથી પીછો છોડાવવા માટે મિત્રો સાથે મળીને તેની હત્યાનો પ્લાન બનાવી દીધો અને પછી એવી કહાની રચી કે પોલીસ પણ ગોળ ગોળ ફરતી રહી. આખરે આ ઘટનાને એક વર્ષ બાદ પડદા પરથી રહસ્ય ઊંચકાયું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં રહેતી ધારા કડીવાર નામની એક યુવતી સાથે સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવાજીના પ્રેમ સંબંધો હતા. ધારા સૂરજને જ પોતાનું સર્વસ્વ માનતી હતી, પરંતુ બીજી તરફ સૂરજ ધારાથી પીછો છોડાવવા માંગતો હતો. ગત 20 જૂનના રોજ ધારા સૂરજ ભુવાજી અને તેના એક મિત્ર મીટ શાહ સાથે જૂનાગઢથી અમદાવાદ આવવા માટે નીકળી હતી અને પછી તેની કોઈ ખબર ના મળી.
સૂરજ ભુવાજી અને તેનો મિત્ર મિત શાહ અગાઉ કરેલા પ્લાનિંગ મુજબ ચોટીલા જમીને ત્યાંથી ધારાને ચોટીલા પાસે આવેલા વાટાવછ લઇ ગયા હતા. જ્યાં અગાઉથી જ સૂરજ ભુવાજીના અન્ય મિત્રો પણ હાજર હતા. ગાડીમાં બેસીને ધારાએ સૂરજ ભુવાજી વિરુદ્ધ કરેલા કેસ પરત લેવાની વાત કરી.
આ દરમિયાન મિત શાહે કારમાં જ પાછળથી ધારાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ધારાની હત્યા કર્યા બાદ અગાઉ કરેલા પ્લાન પ્રમાણે તુરંત જ ધારાના કપડાં અને મોબાઇલ લઈ અગાઉથી જ પુરાવાનો નાશ કરવા ધારાના મૃતદેહને આરોપી યુવરાજ સોલંકીની વાડીમાં જ સળગાવી દીધી.
ધારાના મૃતદેહનો નિકાલ કરવા લાકડા, પેટ્રોલ અને ઘાસચારો પણ અગાઉથી પ્લાનિંગ મુજબ મંગાવી રાખેલો હતો. પછી આ હત્યાને છુપાવવા માટે પછી ફિલ્મી ઢબે પ્લાન ગઢવામાં આવ્યો. પોલીસને ગુમરાહ કરવા માટે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ મીટ શાહ અને સૂરજ ભુવાજી અમદાવાદ આવ્યા. આ ઘટનાના એક મહિના બાદ ધારાના ભાઈએ પોલીસમાં જાણવા જોગ કરેલી ફરિયાદમાં ધારા ભુવાજી સાથે ગઈ હોવાનું જણાવ્યું હતું.
ત્યારે પોલીસે આ મામલે તપાસ કરતા ભુવાજીએ ધારા મીતના ઘરે આવ્યા બાદ અચાનક કોઈને કહ્યા વગર નીકળી ગઈ હોવાની અરજી પાલડી પોલીસમાં આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું કે, યુવતી પોતાનો સામાન લઈને ઘરેથી જતી રહી છે અને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું છે કે, મને શોધવાનો પ્રયાસ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાઉં છું, પોલીસના લફડામાં પડતા નહીં.
ત્યારે પોલીસને ગુમરાહ કરવા માટે આરોપી મીતે તેની માતા મોના શાહને ધારાના કપડાં પહેરાવીને પાલડી અને સનાથલ વિસ્તારમાં ફેરવી હતી, જેના કારણે પોલીસ પણ ગુમરાહ થાય. જેના બાદ અન્ય ભુવાજીના અન્ય બે સાથી યુવરાજ અને ગુંજન આરોપી ધારાનો મોબાઈલ લઈને છેક મુંબઈ પણ પહોંચ્યો હતો. જ્યાંથી સંજય સોહેલિયાના મોબાઈલ પર ધારાના ફોન પરથી મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે પણ દોરવામાં આવી. જેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારી ઇચ્છાથી જ સૂરજને છોડીને દૂર જઈ રહી છું તો પોલીસની માથાકૂટમાં પડતા નહિ.”
ત્યારે પોલીસ પણ ધીમે ધીમે એક પછી એક કડીઓ જોડતા જોડતા આ કેસના ઊંડાણ સુધી પહોંચી અને આ આખું ષડયંત્ર સૂરજ ભુવાજી દ્વારા ઘડ્યું હોવાનું સામે આવતા ધારાની હત્યા કેસમાં સૂરજ ભુવાજી ઉપરાંત તેનો ભાઈ યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોશી, સંજય સોહલિયા, જુગલ શાહ, મીત શાહ અને મોના શાહ સુધી પહોંચી હતી. ત્યારે આ મામલે પોલીસે 8 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.