આપણા સમાજમાં મોટાભાગે દીકરાને કુળદીપક માનવામાં આવે છે, એવું કહેવાય છે કે દીકરો ઘડપણમાં માતાપિતાની લાકડી બનતો હોય છે, પરંતુ આજે સમાજમાં આપણ જોઈએ છે કે દીકરા કરતા પણ દીકરી માતા-પિતાની સેવા ચાકરી વધારે કરે છે, ઘણા દીકરાઓ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવે છે, ત્યારે પણ એક દીકરા કરતા તો વહુનો પણ વાંક વધારે નીકળે છે, જે વહુ કોઈના ઘરની એક સમયે દીકરી પણ હતી.

સમાજમાં આવા ઘણા ઉદાહરણો તમને ઠેર ઠેર જોવા મળતા જ હશે, પરંતુ આજે આપણે એક પરિવારની વાત કરવાની છે અને એ એક એવા પરિવારની જ્યાં એક આખો પરિવાર હળીમળીને શાંતિથી રહેવા ઈચ્છા છે, જ્યાં સાસુ વહુ વચ્ચે કોઈ અણબનાવ નથી થતો, પતિ પત્ની બંને ખુશીથી પોતાનું જીવન વિતાવે છે. આવા પરિવારમાં રહેવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક એ ઈચ્છાઓ અધૂરી જ રહે છે.

મોટાભાગે એકે પરિવાર એટલે કે સાસુ-સસરા, પતિ પત્ની અને તેમના એક-બે બાળકો. 5 કે 6 જણ વચ્ચેના પરિવારમાં પણ શાંતિથી રહેવું કોઈ મોટી વાત નથી, છતાં પણ ઘણીવાર વાતાવરણ ડામાડોળ થતું જોવા મળે છે. દીકરો કામે ચાલ્યો ગયો હોય, છોકરાઓ ભણવામાં વ્યસ્ત હોય, સસરા પણ સામાજિક કામો કે એમના સમવયસ્કો સાથે પોતાની નિવૃત્તિનું જીવન વિતાવી રહ્યા હોય ત્યારે ઘરમાં રહ્યા માત્ર બે જ વ્યક્તિઓ. સાસુ અને વહુ.

સાસુ અને વહુ જયારે ઘરમાં બે લોકો એકલા હોય ત્યારથી જ એ બંને વચ્ચે ધીમું ઝેર જન્મવા લાગે છે, ધીમે ધીમે એ બંને વચ્ચેની લડાઈ પણ મોટી થવા લાગે છે અને આ લડાઈ આખા ઘરના વાતાવરણને ખરાબ કરી નાખતી હોય છે. ઘરના બીજા સદસ્યોને પણ આ લડાઈનો એક ભાગ બનવું જ પડતું હોય છે. ઘણીવાર આ બાબતોનો અંત કાંતો પતિ-પત્નીના છૂટાછેડાથી આવે કાંતો માતા-પિતા વૃદ્ધાશ્રમમાં જાય ત્યારે આવે.

એવું નથી કે આ સમસ્યાનું કોઈ સમાધાન નથી, જો દિલથી વિચારીએ તો આ સમસ્યાનું સમાધાન ચોક્કસ મળશે. જો સાસુ વહુને પોતાની દીકરી માની લે અને વહુ પોતાના સાસુને પોતાની મા માનીલે તો આ સમસ્યા ક્યારેય સર્જાશે નહિ.

મોટાભાગે માતા પિતા દીકરાને જ તેમના ઘડપણનો સહારો માનતા હોય છે, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો તેમના ઘડપણનો સહારો દીકરા કરતા વધારે વહુ હોય છે, કારણ કે દીકરો માત્ર પૈસા આપીને જ ઘરનો કારભાર ચલાવી શકે છે, પરંતુ એક વહુ ઘરમાં રહીને સવારની ચાથી લઈને રાત્રે લેવાની દવાઓ સુધીની તમામ કાળજી રાખતી હોય છે. તમારી ચામાં ખાંડ કેટલી નાખવી, તમે કેટલું તીખું ખાઈ શકો છો, કઈ ગોળી કયા સમયે ગળવાની છે એ તમામ બાબતો કદાચ તમારા દીકરાને ખબર નહિ હોય પરંતુ તમારી વહુ એ બધી જ વાતો જાણતી હશે, તમે જયારે બીમાર પડશો ત્યારે પણ એ મને કે કમને તમારી સેવા તો ચોક્કસ કરવાની જ છે, માટે ઘડપણનો સાચો સહારો એક વહુ જ હોય છે તેમ માનીને ચાલશો તો પણ ઘરમાં ક્યારેય કોઈ વિખવાદ નહિ સર્જાય.

તેમ જ એક વહુ પણ જો પોતાના સાસુને પોતાની માતા સમજી લેશે તો પણ આ વિખવાદ ક્યારેય નહિ સર્જાય, કારણ કે તે પોતાના સાસુને મા જેવું સન્માન આપશે, તેમની સેવા ચાકરી કરશે, તેમનું ધ્યાન રાખશે તો સાસુ-સસરા પણ તેને એક દીકરીની જેમ જ લાડ લડાવશે, તેને ગમતું કરવાના સતત પ્રયત્નો કરશે, વહુને પણ પોતાની દીકરીની જેમ જ છૂટછાટ આપી શકશે, જાણી જોઈને કોઈપણ જાતની હેરાનગતિ પણ નહિ કરી શકે.