આજનો સમાજ આધુનિકતા તરફ વળી ગયો છે. લોકોને સંયુક્ત કુટુંબમાં રહેવામાં હવે મન નથી લાગતું. ધીમે ધીમે સૌ અલગ અલગ પરિવારોમાં રહેવા લાગે છે. એકનો એક દીકરો હોય તો પણ માતા-પિતા ગામડે અને દીકરો વહુ શહેરમાં રહેતા જોવા મળે છે.

પરંતુ જે ઘરમાં દીકરી પરણીને આવે છે અને પોતાનું આખું જીવન પોતાના પરિવાર માટે સમર્પિત કરે છે એ દીકરી માટે આ એક મહત્વપૂર્ણ વાત છે. મોટાભાગે સમાજમાં આપણે એક વાત સાંભળતા હોઈએ છે કે “દિકરો માતા-પિતાના ઘડપણની લાકડી હોય છે.” પરંતુ આ સમાજ ક્યારેય એક દીકરી તરફ કે એક વહુ તરફ જોઈને ક્યારેય એમ નહિ કે :”એક સ્ત્રી પણ તેમના ઘડપણની લાકડી છે.”

અવાર-નવાર સમાચારમાં આપણે જોતા હોઈએ છે કે દીકરો મા-બાપને ઘરમાંથી કાઢી મૂકે છે, સંપત્તિ માટે પોતાના સગા મા-બાપ ઉપર કોર્ટમાં ફરિયાદો પણ કરે છે અને એવા સમયે એક દીકરી જ પોતાના માતા-પિતાને સાચવી લેતી હોય છે. સમાજમાં એવા ઘણા પરિવારો છે જ્યાં એક વહુ જ આખા પરિવારની સાર સંભાળ રાખે છે. જયારે દીકરો પોતાના કામકાજના કારણે પોતાના માતા-પિતાને સમય નથી આપી શકતો ત્યારે એક વહુ દ્વારા જ તેમની સાચી કાળજી લેવામાં આવે છે. ઘરની વહુના માથે પણ ક્યારેય ઓછી જવાબદારી હોતી નથી. પોતાનું ઘર છોડીને પારકા ઘરમાં આવી જેની સાથે ચાર દિવસો પણ નથી વિતાવ્યા એવા વ્યક્તિઓ સાથે જીવનભરનો સંબંધ જોડવો અને તેમને પોતાના કરીને રાખવા પણ કઈ નાનીસૂની વાત નથી.

સાસુ-સસરાની દીવનચર્યાથી માંડીને રાત્રે સુતા સુધીની તમામ જીવન જરૂરિયાત એક વહુને યાદ હોય છે સવારની ચાથી લઈને રાત્રે દવા આપવા સુધીનું તમામ કામ એક બહુ જ સાંભળે છે. વહુ પાસે પણ એના સિવાય બીજી ઘણી જવાબદારીઓ હોય છે. પોતાના બાળકો અને પતિની પણ સાર-સંભાળ રાખવાનું કામ તેને કરવું પડતું હોય છે. એકસામટી આટઆટલી જવાબદારીઓ હોવા છતાં પણ એક સ્ત્રી ક્યારેય મૂંઝાતી નથી અને હસતા મુખે પોતાના પરિવારની સાર-સંભાળ રાખવામાં પોતાનું જીવન વ્યથિત કરે છે.

સાસુ-સસરા જયારે બીમાર પડે ત્યારે પણ એક દીકરો પોતાના કામકાજના કારણે તેમને સમય નથી આપી શકતો ત્યારે પણ એક વહુ દ્વારા જ તેમની કાળજી લેવામાં આવે છે. તેમને સમયસર દવા આપવી, તેમને શું ખાવાનું આપવું એ બધી જ સંભાળ એક વહુને રાખવી પડતી હોય છે.

દીકરો ઘરમાં દિવસોના દિવસો ના હોય તો પણ મા-બાપને કોઈ અગવળ ના પડે પરંતુ જો વહુ એક દિવસ ઘરમાં ના હોય તો એક સાસુ-સસરાને જે તકલીફ પડે છે તે તેમના સિવાય કોઈ નથી જાણી શકતું એમને તો એમ જ લાગે કે જાણે તેમની આખી દિનચર્યા જ બદલાઈ ગઈ. ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે સાસુ-સસરાને એ પણ યાદ નથી રહેતું કે ઘરમાં વહુ હાજર નથી અને એના નામની બૂમ પણ પાડી લેતા હોય છે અને અચાનક યાદ આવે છે કે “વહુ તો ઘરમાં છે જ નહીં” ત્યારે તેમને વહુની સાચી કદર થાય છે.

ઘણા ઘરોમાં આપણે જોયું છે કે એક વહુ આખો દિવસ કામવાળીની જેમ કામ કરતી હોય, પોતાના સાસુ-સસરા અને આખા પરિવારની સાર સંભાળ રાખતી હોય તો પણ તેની કદર થતી નથી. તેને સેવાના નામ ઉપર મહેણાં જ સાંભળવા મળે છે એ પતિના હોય સાસુના હોય કે સસરાના હોય તે છતાં પણ એક વહુ જ છે જે બધું જ સહન કરી અને પોતાના કર્તવ્યથી ક્યારેય પીછેહઠ નથી કરતી. સમાજમાં એક બીજો વર્ગ એવો પણ છે જ્યાં એક વહુને જ પોતાના સાસુ સસરા સાથે નથી ગમતું. માતા-પિતા જેવા સાસુ-સસરા હોવા છતાં પણ તેને કદર નથી થતી અને પોતાની જવાબદારીઓથી છટકતી રહે છે.

પરંતુ આવા અપવાદોને બાદ કરતા એક વાત તો ચોક્કસ છે કે માતા-પિતાના ઘડપણનો સહારો એક દીકરા કરતા વહુ વધારે હોય છે.