લેખકની કલમે

સુપરસ્ટાર થયા બાદ સ્ટારડમ માથે ચડેલ ,અને આવેલ એટીટ્યુડ, અંતે જમીન પર પટકાઈ અને ફરી ઉભી થયેલ નૈના શર્મા .

“નૈના શર્મા ની ફિલ્મ નું ગીત સુપર હિટ થઈ ગયું છે, કાલે રિલીઝ થયેલ એ સોંગ લોકો ના દિલો પર રાજ કરી રહ્યું છે , નૈના ના લુક ની ચર્ચા દરેક શહેર ની દરેક ગલી માં રહેતા દરેક લોકો કરે છે , આ મુવી થી નૈના શર્મા ફરી ધમાકેદાર કમબેક કરશે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એવું લાગે છે, પાછલી ત્રણ ફિલ્મો ની વાત કરવા જઈએ તો નૈના શર્મા નું પર્ફોમન્સ અને કરીઅર બંને જમીન પર પછડાટ ખાતા હતા. આઠ વર્ષ પહેલાં આ ઇન્ડસ્ટ્રી માં કદમ રાખનાર નૈના ને પેહલી જ ફિલ્મ થી સફળતા ન ટોચ પર પહોંચી ગઈ હતી , બીજી ફિલ્મ પણ ખૂબ સારી રહી, એ દરમિયાન આર્યન જોશી નું નામ નૈના શર્મા સાથે જોડવા માં આવેલ હતું . બંને વચ્ચે ના સબંધો ને લઈ નૈના શર્મા ઘણી લાઇમલાઈટ માં આવી હતી, દોઢ વર્ષ ના લાંબા સમયગાળા પછી, એમના બ્રેકઅપ ની વાત આગ માંથી નીકળતા ઉડતા ધુમાડા જેમ ફેલાઇ ગઈ હતી . ત્રણ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ટોપ પર રહેનાર અભિનેત્રી નૈના શર્મા એના બ્રેકઅપ પછી ધીમે ધીમે ટોપ પર થી ગ્રાઉન્ડ પર આવવા ની જર્ની સ્ટાર્ટ કરી.
પછી ના ચાર વર્ષો માં નૈના શર્મા એ ત્રણ ફિલ્મો કરી જે ફ્લોપ સાબિત થઈ અને એ ફ્લોપ નો થપ્પો નૈના શર્મા પર પણ લાગી ગયો, ઘણી ખરી અફવાઓ ઉડવા લાગી, હાર ના નશા ને ઓછો કરવા દારૂ અને સિગરેટ ના નશા નૈના શર્મા ધીમે ધીમે ડૂબવા લાગી . કામ મેળવા અને ઇન્ડસ્ટ્રી માં રહેવા માટે પ્રોડ્યૂસર અને ડિરેક્ટરો સાથે શારીરિક સંબંધો ના ઓફર ને માની અને કામ મેળવ્યું. પણ તેમાં પણ નિષ્ફળ રહી. ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી નો સૌથી વધુ ચમકતો સિતારો નૈના શર્મા ગાયબ થતી ગઈ.
છેલ્લા એક વર્ષ થી નૈના શર્મા ગાયબ હતી, કોઈ ને જાણ કર્યા વિના ક્યાંક ભાગી ગઈ હતી, અને આ ઇન્ડસ્ટ્રી ના લોકો ને અને નૈના શર્મા ના પેહલા ના ફેન્સ ને ઉપરાંત મીડિયા ને પણ કાંઈ ફર્ક પડ્યો નહતો.

પણ અચાનક નૈના શર્મા નું આટલું ધમાકેદાર કમ બેક જોઈ લોકો માં નૈના શર્મા ચર્ચા નો વિષય બની ગઈ છે, ઇન્ડસ્ટ્રી માં લગભગ બધા લોકો આશ્વર્ય માં છે , અને મીડિયા નૈના શર્મા નો ઈન્ટરવ્યૂ લેવા બેતાબ.
નૈના શર્મા એ ફરી એની અદા અને એક્ટિંગ ના જાદુ થી લોકો ને મોહી લીધા છે. ઇન્ડસ્ટ્રી ના જુજ માત્ર લોકો નૈના શર્મા ના કમબેક થી ખુશ થયા છે અને તે લોકો એ તેમની ખુશી ટ્વિટર અને ઇસ્ટાગ્રામ માં વીડિયો મૂકી જાહેર કરી છે.
વાત કરીએ નૈના શર્મા ની આવનાર ફિલ્મ ની તો એ લો બજેટ ની અર્બન ફિલ્મ નું એ હિન્દી સોંગ યૂટ્યૂબ પર ત્રીજા ક્રમાંકે એ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે ,
અને ફિલ્મ નું પોસ્ટર પણ ચર્ચા નો વિષય બની ગયો છે, લોકો હવે ટ્રેલર ની રાહ આતુરતા થી જુએ છે, જે એક અઠવાડિયા ની અંદર જ લોન્ચ થશે.
અમારી ચેનલ “ગપશપ ” ની પુરી ટિમ થી નૈના શર્મા ની આવનારી ફિલ્મ “એ દિલ ” અને એ દિલ માં દરેક ટિમ મેમ્બર માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.

હું મેઘા ગોકાણી હાલ રજા લઉં છું, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ઇન્ટરેસ્ટિંગ અને લેટેસ્ટ વાતો માટે સાંભળતા રહો “ગપશપ”.”

**
મેં કાર અટકાવી , રેડિયો બંધ કર્યો .

“થેન્ક યુ સો મચ , આ બધા માટે, તું ના હોત તો હું ફરી પાછી મારા પગ પર ઉભી ન થાત મેઘા “કાર માં મારી પાસે ની સીટ માં બેઠેલ નૈના શર્મા બોલી.

“કમોન યાર, આ ફોર્મલિટી ન કર મારી સામે, અને થેન્ક્સ કહેવું હોય તો , પાર્થ ને કહેજે એના વિના આ કાંઈ શક્ય નહતું, બાળપણ ની આપણી મિત્રતા ને તે ભૂલાવી દીધા બાદ મેં પણ એને લગભગ ભૂલાવી જ દીધી હતી.પણ પાર્થ ન તને ભુલ્યો કે ન આપણી મિત્રતા ને.”

“તમારા બંને વિના શું થાત મારુ મેઘા.”

“બસ હવે વધુ ઇમોશનલ ન થા , સામે જો લોકો નૈના શર્મા ની રાહ જુએ છે, પેહલા જોતા એમ, તારી એક ઝલક જોવા માટે દિવાના થાય છે…”

નૈના એ સામે જોયુ, એના ઘર ની બહાર એના હજારો ચાહકો ઉભા હતા, લોકો માં ભારે ઉત્સાહ હતો, અને મીડિયા ના લોકો પણ કેમેરો અને માઈક થી સજ્જ તડકા માં ઉભા ઉભા રાહ જોતા હતા.

હું અને નૈના કાર ની નીચે ઉતર્યા, લોકો ના એ ટોળા માં શોરબકોર થવા લાગ્યો, લોકો નૈના નું નામ જોર જોર થી પુકારવા લાગ્યા , સિકયુરિટી એ તેમને રોકી રાખ્યા હતા.

નૈના એના ઘર તરફ આગળ વધી , હું કાર પાસે જ ઉભી રહી, નૈના એ અચાનક મારી તરફ જોયું, એ નર્વસ હતી. મેં એને એક મોટી સ્માઈલ આપી અને હું હોઠ ફફડાવી ને બોલી.
“The world is your now,આ દુનિયા હવે તારી છે.”

નૈના એ મારી સામે આભાર દ્રષ્ટિ એ જોયું, અને એ આગળ વધી, લોકો માં ઉત્સાહ વધતો જતો હતો . સિકયુરિટી ની પકડ થોડી ઢીલી પડી , અને બધા લોકો એ નૈના ને ઘેરી લીધી , નૈના ના બોડીગાર્ડ લોકો ને દૂર કરતા હતા , હું પણ કાર પાસે ઉભા ઉભા નૈના સામે જોતી હતી , મારુ ધ્યાન નૈના ના ચેહરા પર કેન્દ્રીત હતું, હું એના ચહેરા પર ના ખુશી ના એક્સપ્રેશન જોતી હતી , ત્યાં જ અચાનક મેં એના ચહેરા ના એક્સપ્રેશન બદલતા જોયા.

એના ચહેરા ની સ્માઈલ ગાયબ થઈ ગઈ, આંખો થોડી મોટી બની ગઈ,એના ચહેરા પર દર્દ ની લકીરો આવવા લાગી. નૈના ને આજુ બાજુ ના લોકો થી ફર્ક પડવા નો બંધ થઈ ગયો.

મને કંઈક વિચિત્ર લાગ્યું, હું દોડતી લોકો ને સાઈડ કરતા એની પાસે પહોંચી . એની સામે કોઈ માણસ મોઢા પર રૂમાલ બાંધી ઉભો હતો, મેં એની સામે જોયું, એના હાથ માં ચાકૂ હતું એને એ ચાકૂ પર લોહી લાગેલ હતું.

મેં તુરંત નૈના સામે જોયું, એ એના પેટ પર હાથ દબાવી ને ઉભી હતી, એનો એ હાથ લોહી થી લથપથ હતો. ત્યાં જ એ માણસ એ ફરી ચાકૂ નૈના ના પેટ ની અંદર માર્યું.

મેં લોકો વચ્ચે થી નીકળતા નીકળતા જોર થી બુમ પાડી ,”નૈના…….”
એક બોડીગાર્ડ ની ત્યાં નજર પડી એને તુરંત એ ચેહરા પર રૂમાલ બાંધેલ વ્યક્તિ ને પકડી પાડ્યો.

હું દોડતી નૈના પાસે પહોંચી, ઘવાયેલ નૈના જમીન પર પડવા જતી હતી, મેં એને પકડી…અને અમે જમીન પર બેઠા.
નૈના ના પેટ ની પાસે થી લોહી નીકળતું હતું. એની આંખો લાલ થઈ ગઈ હતી, અને એ દર્દ થી તડપતી હતી.

નૈના ની આ હાલત જોઈ લોકો નું ટોળું શાંત પડી ગયું.

બોડીગાર્ડ એ રૂમાલ બાંધેલ વ્યક્તિ ને માર્યો અને એનો ચેહરા થી રૂમાલ હટાવ્યો.

મેં એની સામે જોયું , અને નૈના એ પણ…
એનો ચહેરો જોઈ હું બોલી પડી.,
“આકાશ….”

લેખક – મેઘા ગોકાણી

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.