ધાર્મિક-દુનિયા

ગુજરાતમાં આવેલું આ મોઢેરાનું સૂર્યમંદિર અદભૂત ને ઐતિહાસિક સ્થાપત્ય છે, વાંચો પ્રાચીન ઇતિહાસ વિષે

આજે વાંચો ગુજરાતના બોરસદનું અદભૂત અને આધુનિક સૂર્ય મંદિર વિશે

આપણે દરેક જાણીએ છીએ કે ભારતમાં બે પૌરાણિક સૂર્યમંદિરો આવેલા છે, એક કોણાર્કનું સૂર્યમંદિર અને બીજું મોઢેરાનું સૂર્યમંદિર. આ બંને મંદિરોનું આગવું જ મહત્વ છે અને બંનેનો પોતાનો ઇતિહાસ છે. ત્યારે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં મોઢેરા સિવાય પણ એક બીજું સૂર્યમંદિર આવેલું છે. ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ ગામમાં 1972માં એક નવું સૂર્યમંદિર પણ બન્યું છે. જે ખૂબ જ ભવ્ય અને જોવા લાયક છે. સાથે જ આ મંદિર કઈ રીતે બન્યું એ પાછળનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે, જે પણ જાણવો જ જોઈએ.

મંદિર બનાવવા પાછળની કથા

વર્ષ 1972માં બોરસદમાં વિશ્વાસ ન બેસે એવી એક ખૂબ જ રોચક ઘટના બની હતી. આ ગામમાં રહેતા એક વકીલ રમણભાઈ પટેલ અને તેમની પત્નીનો પાંચ મહિનાનો પુત્ર કલ્પેશ એક દિવસ અચાનક બોલ્યો, ‘સૂર્યમંદિર બંધાવો’. બધાને જ આ વાત જાણીને નવાઈ લાગી કે પાંચ મહિનાનું બાળક કઈ રીતે બોલી શકે જયારે કે તેને બોલતા જ ન આવડતું હોય.

રમણભાઈ અને ડાહીબેન તો આ સાંભળીને વિશ્વાસ જ ન થયો પણ પછી તરત જ બાળકના શરીર પર કંકુ દેખાવા લાગ્યું, અને થોડીવારમાં કંકુ જાતે જ અદ્રશ્ય થઇ ગયું. આ જોઈને રમણભાઈ અને ડાહીબેનને પ્રેરણા થઇ કે સાક્ષાત સૂર્યદેવ પોતે જ કંકુના રૂપમાં પ્રગટ થયા હતા. આ ઘટના પછી રામણભાઇને થયું કે હવે બોરસદમાં સૂર્યમંદિર બંધાવું જ જોઈએ, પરંતુ તેમની પાસે કોઈ જમીન કે મિલકત ન હતી. જેથી તેમણે ગામના આગેવાનોને ભગવાન સૂર્યદેવ પ્રગટ થયાની વાત કરી અને કહ્યું કે સૂર્યમંદિર બંધાવવું જોઈએ.

આ પછી સૂર્યદેવની પ્રેરણાથી બોરસદના અંબાલાલ પટેલ અને હરીભાઈ પટેલે જમીન દાન કરી અને નરેન્દ્ર પટેલે સૂર્યમંદિરને ડિઝાઇન કર્યું અને મહેન્દ્ર કંથારિયાએ એન્જીનીયરીંગનું કામ કર્યું. આ સિવાય ગામના લોકોને મંદિર બંધાવવા માટે દાન કરવાની પ્રેરણા પણ સૂર્યદેવે આપી. અને આ રીતે અહીં સૂર્યમંદિર બન્યું.

મંદિરનો મહિમા 

આ મંદિર ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે ભગવાનની ઈચ્છાથી બન્યુ છે. દુનિયાભરના લોકો અહીં દર્શને આવે છે. આ મંદિરના આંગણમાં આ મંદિર બાંધવા પાછળની કથાનો શિલાલેખ કોતરવામાં આવ્યો છે. અહીં દર્શને આવનાર બધાની જ ભગવાન સૂર્યદેવ ઈચ્છા પૂરી કરે છે.

મંદિરનું ભવ્ય પ્રવેશદ્વાર, મોટું પ્રાંગણ અને પ્રાંગણમાં ફુવારા અહીંની ભવ્યતા દર્શાવે છે.  મંદિરની આગળ વિશાળ બગીચો અને પાર્કીંગ માટેની જગ્યા પણ છે. અહીં આવનાર યાત્રીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા છે.

મંદિરના પ્રવેશદ્વારની ઉપર ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ ઉપર સવાર જોવા મળે છે. મંદિરના ગર્ભગૃહમાં સૂર્યદેવની સાથે જ બીજા અન્ય દેવો પણ બિરાજમાન છે. જે બધા જ દેવોની એકતાનું ઉદાહરણ આપે છે.

બોચાસણના પ્રમુખ સ્વામી મહારાજ, ખુંધેલીના છોટે મોરારીબાપુ અને નડિયાદના ભગવતી કેશવ મહારાજને સ્વયં સૂર્યદેવે દર્શન આપ્યા છે. અહીં મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ચીમનભાઈ પટેલ, દમયંતિ બરડાઇ, દિવાળીબેન ભીલ સહીત અન્ય મહાનુભાવો દર્શન કરવા આવી ચૂકેલા છે.

અહીંનું પબ્લિક ટ્રસ્ટ કરે છે સમાજ સેવા 

જેમને સૂર્યદેવે મંદિર બનાવવા પ્રેર્યા હતા એ વકીલ રમણભાઈ પટેલે અહીં એક પબ્લિક ટ્રસ્ટ ઉભું કર્યું છે, જે મંદિરનો વહીવટ પણ કરે છે. આ ટ્રસ્ટ દ્વારા ગરીબોને અન્ન અને કપડાની મદદ કરવામાં આવે છે. તેઓ વિદ્યાર્થીઓને પુસ્તકો પણ આપે છે અને અપંગને પણ તેમની જરૂરિયાત મુજબ સાયકલ આપે છે. આ ટ્રસ્ટ દરેકને શાંતિપૂર્વક જીવન જીવવો બોધ આપે છે.

અહીં રોજ લગભગ 2000 શ્રદ્ધાળુઓ દર્શને આવે છે.