ચેતી જજો આજકાલની છોકરીઓથી, કચ્છનાં ચકચારી દિલીપ આહીર આપઘાત કેસમાં નવો વળાંક, હનીટ્રેપમાં જીવ ગયો- જાણો સમગ્ર મામલો
Kutch Dilip Ahir Case : ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં આપઘાતના પણ કિસ્સા બને છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો હતો કચ્છમાંથી. જેમાં દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મજબૂર કરાયો હતો અને હવે આખરે આ મામલે મનીષા ગોસ્વામી સહિત 9 સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. મનીષા સામે આ પહેલા પણ અમદાવાદમાં હનીટ્રેપનો ગુનો નોંધાઇ ચૂક્યો છે.
મનીષા પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસની પણ મુખ્ય આરોપી છે અને તે હાલ જેલમાં બંધ છે. કચ્છના ભુજમાં અમદાવાદની એક યુવતી દ્વારા રેપની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે પછી દિલીપ આહીર નામના યુવકે આપઘાત કરી લીધો. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ મામલામાં માસ્ટરમાઈન્ડ તરીકે જેનું નામ સામે આવ્યુ છે તે જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જેલમાં બંધ મનીષા ગોસ્વામી છે.
પોલીસે મનીષા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. 3 જૂનના રોજ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ અમદાવાદની યુવતી દ્વારા માધાપરના દિલીપ આહીર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા બાદ યુવતી પર ભુજ નજીકના સેડાતાના હાઈલેન્ડ રિસોર્ટમાં શુક્રવારે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ. આ ફરિયાદ નોંઘાયાના ગણતરીના કલાકો પછી શનિવારે સવારે દિલીપ આહીરની નલિયા રોડ પર ગળે ફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી અને તે પછી અનેક તર્કવિતર્કો સર્જાયા.
આ મામલો શંકાસ્પદ લાગતા અને હનીટ્રેપની આશંકા જણાતા પોલિસે તપાસ શરૂ કરી અને તેમની શંકા સાચી પણ પડી. આ મામલો હનીટ્રેપનો હોવાનો અને માસ્ટર માઈન્ડ જેલમાં બંધ મનીષા ગોસ્વામી હોવાનું સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ. મનીષાએ પહેલા કુવૈતના બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવી 10 કરોડ રૂપિયા પડાવવાનો પ્લાન કર્યો હતો, પણ કુવૈતના બિઝનેસમેનની ટ્રિપ કેન્સલ થતાં દિલીપ આહીરને ફસાવ્યો. દિલીપને હનીટ્રેપમાં ફસાવતાં પહેલાં તેની પ્રોપર્ટી અંગેની વિગત આરોપીઓ દ્વારા મેળવવામાં આવી.
દિલીપને ફસાવવા મનીષાના કહેવાથી દિવ્યાએ ચેટિંગ શરૂ કર્યું અને તેની સાથે મિત્રતા કેળવી. જે બાદ પ્લાન મુજબ તેને ભુજ આવીને હોટલમાં જવાનું અને પછી રેપની ફરિયાદ કરી 4 કરોડ રૂપિયા માગવાનું નક્કી કરાયું હતુ. આ કેસના આરોપીઓમાં મનીષા ગોસ્વામી, દિવ્યા અશોકભાઈ ચૌહાણ, અજય પ્રજાપતિ, આખલાક પઠાણ, ગજુ ગોસ્વામી, આકાશ મકવાણા, કોમલબેન, રિદ્ધિ, અઝીઝ સામેલ છે. મનીષાની વાત કરીએ તો, વર્ષ 2019માં અબડાસા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા થઇ હતી અને મનીષા આ કેસની આરોપી છે,
જે હાલ ભુજની પલારા જેલ ખાતે સજા ભોગવી રહી છે. મનીષા અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે અને તે હજુ પણ તેના પતિ ગજુ ગોસ્વામી મારફતે સંપર્કમાં છે અને પોતાના ગોરખ ધંધા ચલાવી રહી છે. ત્યારે દિલીપ આહીર મામલે ન્યાયની માંગણી સાથે આહીર સમાજનાં લોકોએ એકઠા થઇ પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ સાથે માધાપરથી ભુજ સુધી રેલી યોજી હતી અને વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું હતું.