Bengali Actress Suchandra Dasgupta Died : બંગાળી મનોરંજન ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુચંદ્રા દાસ ગુપ્તાનું રોડ અકસ્માતમાં મોત થયુ છે. અભિનેત્રી સુચંદ્રા દાસ ગુપ્તાના અવસાનથી પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અભિનેત્રીના મૃત્યુના સમાચારથી તેના ચાહકો પણ દુઃખી છે. મળતી માહિતી મુજબ, સુચંદ્રા શનિવારે રાત્રે શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહી હતી.
તેણે ઘરે પાછા આવવા માટે એપ દ્વારા બાઇક બુક કરાવી હતી. પરંતુ રસ્તામાં સાયકલ સવાર એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો, જે અચાનક વચ્ચે આવી ગયો. બાઇક ચાલકે અચાનક બ્રેક લગાવતાં પાછળથી એક લોરીએ બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ 29 વર્ષીય અભિનેત્રી સુચંદ્રા બાઇક પરથી નીચે પડી ગઇ અને પાછળથી આવી રહેલા ટ્રકે તેને અડફેટે લીધી જેને કારણે અભિનેત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. થોડા સમય માટે તો વાહનોની અવરજવર પણ ખોરવાઈ ગઈ હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને સામાન્ય બનાવી. પોલીસે ટ્રક કબજે કરી ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો છે. અભિનેત્રીના નિધનથી બંગાળી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
સુચંદ્રા દાસ ગુપ્તા બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. તેણે ઘણા પ્રખ્યાત બંગાળી ટેલિવિઝન શોમાં કામ કર્યું. તેણે ‘ગૌરી’માં સહાયક ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. અભિનેત્રીની મોટી ફેન ફોલોઈંગ હતી. તેમની અચાનક વિદાયથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને ભીની આંખો સાથે અભિનેત્રીને યાદ કરી રહ્યા છે.
સુચંદ્રા પાનીહાટીની રહેવાસી હતી. Suchandra Dasgupta સાથે થયેલા આ દર્દનાક અકસ્માત વિશે જાણીને બધા ચોંકી ગયા હતા. તેણે ઘણા શોમાં નાની ભૂમિકાઓ ભજવી છે. તે ઈન્ડસ્ટ્રીની ઉભરતી સ્ટાર હતી. તેણે ‘બિસ્વરૂપ બંદ્યોપાધ્યાય’ અને મોહના મૈતી સ્ટારર ‘ગૌરી એલો’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું.