પરિવારના વિરોધ છત્તાં પણ આ છોકરી બની ખેડૂત, હવે વર્ષે કમાય છે 1 કરોડ

પિતા-ભાઈ ખેતીમાં નિષ્ફળ ગયા, દીકરીએ વાર્ષિક 1 કરોડ કમાવ્યા, આજે વાંચો દુનિયાની બેસ્ટ સ્ટોરી

અભ્યાસ પૂરો કર્યા પછી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં (MNC) નોકરી મેળવવાનું મોટાભાગના લોકોનું સપનું હોય છે. ગામડાઓ અને શહેરોમાં પણ આ વિચાર પ્રબળ બનવા લાગ્યો છે. જો કે, રોજા રેડ્ડી માટે આ વાત વિપરીત છે. તેણે એક અગ્રણી ટેક્નોલોજી ફર્મમાં નોકરી છોડી દીધી અને ખેતીને પોતાનું સર્વસ્વ બનાવી લીધું. તેનું સ્વપ્ન ખેડૂત બનવાનું હતું.

ખેતી માટે તે પોતાના પરિવારના સભ્યો સાથે પણ લડી, જે ખેતીથી મોં ફેરવી તેના પિતા અને ભાઈઓએ અન્ય કોઈ કામ કરવાનું નક્કી કર્યું ત્યાં રોજાએ તેમાંથી વાર્ષિક 1 કરોડ રૂપિયા કમાઈને બતાવ્યું. હવે તે નોકરી છોડીને સંપૂર્ણ ખેડૂત બની ગઈ છે. આજે દરેક વ્યક્તિ તેના વખાણ કરે છે. તેણે સાબિત કર્યું છે કે ખેતી એ એક મોટું સાહસ છે. જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો તેમાંથી ઘણા પૈસા કમાઈ શકાય છે.

રોજાનો જન્મ કર્ણાટકના ડોન્નેહેલ્લી ગામમાં થયો હતો. પરિવારના સભ્યો ખેતીકામ કરતા હતા. ઘરના સભ્યો ઇચ્છતા હતા કે ખેતી પર ધ્યાન આપવાને બદલે તે શહેરમાં અભ્યાસ કરે અને નોકરી કરે. પરંતુ, જ્યારે કોરોના રોગચાળો આવ્યો ત્યારે તેની કંપનીએ ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપ્યો. રોજાએ આનો મોટી તક તરીકે ઉપયોગ કર્યો.

નોકરી પછી ખેતરમાં કામ કરતી

રોજા કહે છે કે તેના ભાઈ અને પિતા નુકસાનને કારણે ખેતી છોડી દેવાના હતા. તેથી તેણે તેના કુટુંબના ખેતરને પુનર્જીવિત કરવાનો પડકાર ઉપાડ્યો. આ માટે તેણે ઓર્ગેનિક પદ્ધતિઓનો આશરો લીધો. તેણીએ તેના કામના સમય પછી સાંજે 4 વાગ્યાથી ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે ઉપજમાં ઘટાડાનું કારણ શોધી કાઢ્યું. તેનું કારણ કેમિકલનો વધુ પડતો ઉપયોગ હતો. રોજાએ નક્કી કર્યું કે તે ખેતરની ફળદ્રુપતાને સજીવ રીતે પુનઃસ્થાપિત કરશે. દીકરીએ પરિવારની ઈચ્છા વિરુદ્ધ જૈવિક ખેતી શરૂ કરી. પરિવાર ઈચ્છતો હતો કે રોજા તેની નિયમિત નોકરી ન છોડે.

પરિવારજનો અને સંબંધીઓ માનતા ન હતા

મોટાભાગના ગ્રામજનો અને રોજાનો પરિવાર માનતો ન હતો કે ઓર્ગેનિક ખેતીથી ખેતરની ઉપજ વધી શકે છે. રોજા કહે છે કે સંબંધીઓ, ગ્રામજનો અને પરિવારના સભ્યોએ પણ તેની મજાક ઉડાવી હતી. આમ છતાં રોજાએ નોકરી છોડી દીધી અને ફુલ ટાઈમ ખેડૂત બની ગઇ. રોજાએ ખેતરમાં 40 પ્રકારના શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.

જેમાં કઠોળ, રીંગણ અને કેપ્સીકમનો સમાવેશ થાય છે. તેણે વિવિધ તાલુકાઓમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોના જૂથો બનાવવાનું પણ શરૂ કર્યું. ચિત્રદુર્ગાથી તેણે આવા 8 ખેડૂતોના જૂથો બનાવ્યા. તેનો હેતુ ઓર્ગેનિક ખેતી વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. ત્યારબાદ તેણે દરેક તાલુકાની સ્થાનિક સત્તાધિકારીને તેમની પેદાશો માટે બજારો ઉપલબ્ધ કરાવવા જણાવ્યું.

500-700 કિલો શાકભાજીની દૈનિક ઉપજ

પછી રોજાએ તેનું નેટવર્ક ઘણા વધુ જિલ્લાઓમાં વિસ્તાર્યું. જેમાં ઉડુપી, દક્ષિણ કન્નડ વગેરેનો સમાવેશ થાય છે. આ પછી તેણે નિસારગા નેટિવ ફાર્મ્સ નામનું વેંચર શરૂ કર્યું. તેના દ્વારા રાજ્યમાં 500 ખેડૂતોનું નેટવર્ક જોડવામાં આવ્યું છે. તે દરરોજ 500 થી 700 કિલો શાકભાજીનું ઉત્પાદન કરે છે. તેની વાર્ષિક કમાણી લગભગ 1 કરોડ રૂપિયા છે. તેના ગામના 25 જેટલા ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવી છે. રોજા આને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે.

Shah Jina